જૂનાગઢઃ મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢમાં મેરેથોનનું ૧લી ફ્રેબ્રુઆરીએ આયોજન કરાયું હતું. કડકડતી ઠંડીમાં આશરે ૧૦ હજાર લોકોએ મેરેથનમાં સ્વચ્છ જૂનાગઢ માટે દોડ લગાવી હતી. ૨૧, ૧૦, ૫ અને ૧ કિલોમીટરની મેરેથનમાં સંગીત, ડાન્સ અને ગીતોની રમઝટ પણ જામી હતી. મેરેથોન બાદ વિજેતા સ્પર્ધકોને કુલ રૂ. ૧ લાખના પુરસ્કાર તથા શિલ્ડ અપાયા હતા.
૧લી એ સવારે ૫.૦૦ વાગે ભવનાથમાં જિલ્લા પંચાયત મેદાનમાં હજારો દોડવીરો મેરેથોન માટે પહોંચી ગયા હતા. ૬.૦૦ કલાકે પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાના હસ્તે આકાશમાં ફુગ્ગા છોડીને મેરેથોનનો પ્રારંભ થયો હતો. એ સમયે મહાપાલિકા કમિશનર તુષાર સુમેરા, મેયર ધીરુભાઈ ગોહેલ સહિત અગ્રણી નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત હતા. આ મેરેથોનમાં સાડા ત્રણ વર્ષના બાળકથી લઈને ૮૦ વર્ષના વૃદ્ધે ભાગ લીધો હતો.
મેરેથોન રૂટ પર અનેક સ્ટોલ હતા, જેમાં સ્વચ્છતા, ફીટ ઇન્ડિયા અને હેરિટેજની થિમને લગતા સંદેશા હતા. રસ્તામાં ફનસ્ટ્રીટના આયોજને લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું અને દોડ સાથે રસ્તામાં ડાંસ, સંગીતની રમઝટ બોલી હતી.