જૂનાગઢઃ ગિરનાર રોપ-વેની ટિકિટના ઊંચા ભાવ અને એની સામે પ્રાથમિક સુવિધાના નામે મીંડુ હોવાનું જણાવીને પ્રવાસીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકો અને બહારથી આવતા પ્રવાસીઓનું કહેવું છે કે, અધધધ ફી હોવા છતાં રોપ-વેની સુવિધા નબળી છે. પાર્કિંગ, રહેવા-જમવાની કે પછી સિનિયર સિટિઝન્સ માટે કોઈ પણ પ્રકારની સુવિધા નથી જેની સામે ટિકિટનો ભાવ ખૂબ જ વધારે છે. આથી ટિકિટના ભાવ ઘટાડવામાં આવે એવી પ્રવાસીઓ અને જૂનાગઢવાસીઓ માગ કરી રહ્યા છે.
રોપ-વેની ટિકિટના ભાવ
ભગતસિંહ ક્રાંતિદળ દ્વારા જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું છે કે, ઉષા બ્રેકો કંપની રોપવેનું સંચાલન કરી રહી છે. રોપ-વેનો આઠ મિનિટનો ચાર્જ રૂ. ૭૦૦ વસૂલવામાં આવે છે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે આ ચાર્જ મોંઘો ગણાય જેથી આ રોપ-વે યોજનાનું કોઈ મહત્ત્વ રહેતું નથી. રોપ-વે ટિકિટનો દર તાત્કાલિક ઘટાડીને વ્યક્તિદિઠ રૂ. ૧૫૦ કરવામાં આવે તથા સાધુ-સંતો માટે રોપ-વે સુવિધા નિઃશુલ્ક કરવામાં આવે માગ ઊઠી છે. મહિલા પ્રવાસીઓએ કહ્યું કે, મહિલાઓ માટે શૈચાલયની સુવિધાનો અભાવ છે એની સામે ટિકિટના ભાવ પણ ખૂબ વધારે છે.
રોપ- વેના ટિકિટના ભાવ અંગે જ્ઞાતિ-સમાજો અને ટ્રસ્ટના ઉતારામંડળે પણ વિરોધ પ્રદર્શિત કર્યો છે. આ અંગે એક સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશભાઇ વેકરિયાએ જણાવ્યું કે, રોપ-વે ટિકિટના દર પુખ્તવયના માટે રૂ. ૧૫૦, બાળકો અને વૃદ્ધો માટે રૂ. ૫૦ અને વિદેશી ગ્રાહકો માટે રૂ. ૪૫૦ રાખવા જોઇએ.
વળી, સલામતી માટે રોપ-વે ટ્રોલીની નીચે નેટ રાખવી જોઇએ, જેથી અકસ્માત સર્જાય તો પણ જાનહાનિ નિવારી શકાય. ગિરનાર ટેમ્પલ રોપ-વેના ટિકિટ દર અંગે કરણી સેનાએ પણ જૂનાગઢ કલેક્ટરને ભાવ ઘટાડવા માટે આવેદન પત્ર પાઠવ્યું હતું.
સિંહોનો વસવાટ
ગિરનાર રોપ-વે રૂટમાં સિંહોનો વસવાટ છે તેથી રોપ-વેની કામગીરી પૂર્ણ થતાં રોપ-વે રૂટ પર સિંહોના આંટાફેરા શરૂ થયાં છે. તાજેતરમાં રોપ-વેના ત્રીજા પોલ પાસે બે સિંહણ વિશ્રામ કરી રહી હતી તેથી પ્રવાસીઓએ રોપ-વેમાં બેસીને સિંહદર્શનની મજા માણી હતી.