જૂનાગઢઃ જવાહર રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં ગયા વર્ષે યોજાયેલી ૭ બેઠકોની ચૂંટણીમાં ગૃહસ્થ વિભાગની ચારેય બેઠકો પર આચાર્ય પક્ષના નંદલાલભાઇ દલસુખભાઇ બામટા, જાદવભાઇ જેરામભાઇ ચાવડા, રતિભાઇ ભનુભાઇ ભાલોડિયા અને મગનભાઇ મનજીભાઇ સભાયા ચૂંટાયા હતા. તેમની સામેના દેવ પક્ષના ઉમેદવારોને ઓછા મત મળ્યા હતા. આચાર્ય પક્ષ તે સમયે બહુમતીમાં આવી ગયો હતો અને આચાર્ય પક્ષને ચેરમેનપદ મળ્યું હતું. આચાર્ય પક્ષે સંપ્રદાયના વર્તમાન વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજીનું આધિપત્ય સ્વીકાર્યું નહોતું. જેથી તેઓ સામે દેવ પક્ષે ચેરિટી કમિશ્નરમાં અરજી કરી તેઓને ગેરલાયક ઠરાવવા માગણી કરી હતી. આ મામલાનો ચુકાદો મદદનીશ ચેરિટી કમિશ્નરે દેવ પક્ષની તરફેણમાં આપ્યો હતો.
દેવ પક્ષના સભ્યો એ પછીથી ચાર્જ લેવા માટે મંદિરે ગયા હતા. નંદલાલભાઇ, જાદવભાઇ, રતિભાઇ અને મગનભાઇ ટ્રસ્ટીની ચેમ્બરમાં ગયા અને દરવાજો અંદરથી લોક કરી દીધો હતો. છેવટે એસપી સૌરભસિંઘ મંદિરે આવ્યા હતા અને અંદરથી ચેમ્બર ખોલાવી હતી. વિધિવત રીતે ચેરમેન પદનો ચાર્જ સંત વિભાગના ટ્રસ્ટી દેવનંદનસ્વામીને સોંપાયો હતો. આ સાથે જ પોલીસની હાજરીમાં કોઠાર, ટ્રસ્ટીની ઓફિસ, ભંડાર, કોઠાર, વગેરેને સીલ કરી દેવાયા હતા.
બંને પક્ષો વચ્ચે વિવાદ
વડતાલના સ્વામીનારાયણ સંપ્રદાયમાં આચાર્ય રાકેશપ્રસાદજીના સમર્થકોને દેવ પક્ષ કહે છે જ્યારે પૂર્વ આચાર્ય અજેન્દ્રપ્રસાદજીના સમર્થકોને આચાર્ય પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. મંદિરના બંધારણમાં સંપ્રદાયના આચાર્યનું આધિપત્ય સ્વીકારે તેઓ જ રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી લડી શકે એવી જોગવાઇ છે. હાલના આચાર્ય રાકેશપ્રસાદજી છે. અને તેમનું આધિપત્ય આચાર્ય પક્ષ નથી સ્વીકારતો. એમ મંદિરના અંતરંગ વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.