જૂનાગઢઃ વડતાલ તાબા હેઠળનાં શ્રી રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં આચાર્ય પક્ષની જીત સાથે પક્ષે સત્તા જાળવી રાખી છે. ૧૩મીએ સવારથી શરૂ થયેલી મતગણતરીમાં સંત વિભાગની બે બેઠકો અપેક્ષા મુજબ જ દેવ પક્ષનાં ફાળે ગઈ હતી. જ્યારે પાર્ષદ વિભાગની ૧ બેઠક તેમજ ગૃહસ્થ વિભાગની ૪ બેઠકો આચાર્ય પક્ષના ફાળે ગઈ છે. ૧ સભ્યની નિમણૂક આચાર્ય રાકેશપ્રસાદજી દ્વારા કરાશે. જે મુજબ બોર્ડમાં હવે આચાર્ય પક્ષનાં પાંચ અને દેવપક્ષનાં ત્રણ સભ્યો રહેશે. આમ જૂનાગઢ સ્વામીનારાયણ મંદિરમાં આચાર્ય પક્ષની સત્તા ગૃહસ્થ વિભાગનાં એજ સભ્યો સાથે રિપીટ થઈ છે.
મતદાન બાદ હોબાળો
ઉલ્લેખનીય છે કે જૂનાગઢના શ્રી રાધારમણ દેવ વહીવટી સમિતિની ચૂંટણી સંપન્ન થયા બાદ ૧૨મી મેએ ભારે હોબાળો થઈ જવા પામ્યો હતો. મતદાન પછી દેવ પક્ષનાં સંતોએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, બોગસ મતદારો આચાર્ય પક્ષે યાદીમાં ચઢાવી દીધા છે. જેમણે પાંચ વર્ષથી ફાળો ન આપ્યો હોય એવા ૨૦થી ૨૫ નામ યાદીમાં ચઢાવી દેવાયા છે. અમે ચૂંટણી અધિકારીને આ અંગે રજૂઆતો કરી હતી, પણ તેમણે રજૂઆતો નથી સાંભળી. આ નિવેદન આચાર્ય પક્ષનાં હરિભક્તો સાંભળી ગયા અને દેવ પક્ષના સંતો મંદિર પરિસરમાં પ્રવેશ્યા તે સાથે જ આચાર્ય પક્ષનાં હરિભક્તોએ તેમની સાથે બોલાચાલી કરતાં ઝપાઝપી થઈ હતી. જોકે, પોલીસે તરત જ મામલો થાળે પાડ્યો હતો. દરમિયાન જેતપુરના હિરેન ઉસદડિયા નામના એક હરિભક્તની પોલીસે અટકાયત કરતાં એક મીડિયાકર્મીએ તેનું શૂટિંગ ઉતારતાં પોલીસે મીડિયા પર લાઠીચાર્જ શરૂ કર્યો હતો. આ મુદ્દે ઘર્ષણ થતાં પોલીસે બે મીડિયાકર્મીઓને માર વાગ્યો હતો. પોલીસે મીડિયાકર્મીને માર મારવા બદલ તમામ પત્રકારો રોષે ભરાયા હતાં અને આ ઘટનામાં લાઠીચાર્જ કરનાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.