જૂનાગઢઃ ઐતિહાસિક નગરી જૂનાગઢમાં ૨૨મીથી હિન્દી ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું. જૂનાગઢની બજારને ફિલ્મમાં પાકિસ્તાનની માર્કેટ દર્શાવવા માટે શહેરની દાણાપીઠ અને મટન માર્કેટમાં દુકાનોના બોર્ડ ઊર્દૂમાં ફેરવાયા હતા. ફિલ્મમાં જ્હોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં હોવાથી કેટલાક દૃશ્યોના શૂટિંગ માટે તેઓ ૨૨મીએ જ જૂનાગઢ આવી પહોંચ્યા હતા. તેમને નિહાળવા માટે જૂનાગઢમાં લોકો ઊમટી પડ્યા હતા.
૨૨મીએ પ્રથમ દિવસે દાણાપીઠ અને મટન માર્કેટમાં શૂટિંગ કરાયું હતું આ બંને માર્કેટ રવિવારની રજાને કારણે બંધ હોવાથી ત્યાં શૂટિંગ કર્યું હતું. શૂટિંગમાં ખલેલ ન પહોંચે તે માટે પોલીસનો કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.
૨૩મીએ જિલ્લા કોર્ટ સામે આવેલા મકબરા તથા ઢાલ રોડ વિસ્તારમાં શૂટિંગ ગોઠવાયું હતું. આ ફિલ્મના આયોજકો દ્વારા નામ જાહેર કરાયું નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન જૂનાગઢમાં ‘ખૂશ્બુ ગુજરાત કી’નું શૂટિંગ કરી ચૂક્યા છે. ત્યારબાદ જ્હોન અબ્રાહમે શૂટિંગ માટે જૂનાગઢમાં પડાવ નાંખ્યો છે.