જૂનાગઢઃ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપે ૫૯ માંથી ૫૪ બેઠક સાથે વિજય મેળવ્યા બાદ પહેલી ઓગસ્ટે જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું. આ જનરલ બોર્ડમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક તેમજ સ્થાયી સમિતિના ૧૧ સભ્યોની વરણી કરવામાં આવી હતી. બોર્ડની શરૂઆતમાં ઐતિહાસિક ઘટના બની હતી. જેમાં કમિશ્નર તુષાર સુમેરાએ વેદની ઋચાના મંત્રોચ્ચાર સાથે તમામને આવકાર્યા હતા. એ પછી મેયર તરીકે ધીરૂભાઇ ગોહેલ, ડેપ્યુટી મેયર તરીકે હિમાંશુભાઇ પંડયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન તરીકે રાકેશ ધુલેશીયા અને સ્ટેન્ડીંગના ૧૧ સભ્યોની વરણી માટે દરખાસ્ત મૂકવામાં આવી હતી. આ દરખાસ્ત સર્વાનુમતે પસાર થઈ એ પછી તમામની બિનહરીફ વરણી પણ કરવામાં આવી હતી. આ તકે ભાજપના શાસક પક્ષના નેતા તરીકે નટુભાઇ પટોળીયા તેમજ દંડક તરીકે ધરમણ ડાંગરની વરણી પણ કરવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતા તરીકે અદ્રેમાન પંજા અને દંડક તરીકે વિજય વોરાની વરણી કરવામાં આવી હતી.