જૂનાગઢઃ શહેરમાં સિંહોના આંટા વધ્યા છે. સિંહ શિકાર, પાણીની શોધમાં શહેરી વિસ્તારમાં આંટાફેરા મારીને જંગલમાં જતા રહ્યાની ઘટના તાજેતરમાં સીસીટીવીના કારણે બહાર આવી છે. એક સિંહે રસ્તો ભટકી જતાં જંગલ તરફ જવા માટે જૂનાગઢ શહેરમાં લટાર મારી હતી. આઠમીએ વહેલી સવારે ૪.૪૫ કલાકે એક સિંહ જૂનાગઢ શહેરના પોર્સ વિસ્તાર એવા જોષીપરામાં ઘૂસ્યો હતો, અહીંની સરદારપરા સોસાયટીમાં અનેક શેરી-ગલીમાં આંટાફેરા મારીને આ સિંહ ત્યાંથી નીકળીને રેલવે સ્ટેશનના ખંડેર મકાનોમાં થઈને ૭ ફૂટની દીવાલ કૂદીને રેલવે સ્ટેશન રોડ ઉપર ચડયો હતો. રોડ ઉપર જ આવેલી શહેરની એક ખ્યાતનામ હોટલના એન્ટ્રી ગેટમાં કૂદકો મારીને સવારે ૫.૦૦ કલાકે અંદર પ્રવેશ કર્યો હતો. ૪૦ સેકન્ડ સુધી હોટલ અંદર તેણે આંટાફેરા માર્યા હતા. હોટેલમાં પોર્ચ, પાર્કિંગ વિસ્તારમાં આંટાફેરા મારીને અંતે તે હોટલમાંથી બહાર નીકળી આગળ જતો રહ્યો હતો.
૧૧ સિંહોનાં આંટાફેરા
સિંહપ્રેમીઓને રોમાંચિત કરી મૂકે એવી ઘટના વેલેન્ટાઈન ડેએ બની હતી. ગિરનાર નેચર સફારી પાર્ક - પાતુરણ વિસ્તારમાં રોડ ઉપર સૂર્યના કિરણો વચ્ચે સિંહ પરિવાર પસાર થયો હતો. ચાલીને આવતા એક સાથે ૧૧ સાવજોને નિહાળવાનો મોકો લોકોને મળ્યો હતો. ૧૧ સાવજોમાં ૯ સિંહણ હતી. ઉપલેટાના સિંહપ્રેમી શાહબાજ મુરીમા નામના યુવકે આ અલભ્ય દૃશ્ય પોતાના મોબાઈલમાં કેદ કર્યું હતું.