જૂનાગઢઃ પરેડ ગ્રાઉન્ડ ખાતે રૂ. ૩૧૯.૪૮ કરોડની ભૂગર્ભ ગટર યોજના તથા પ્રવાસન વિભાગના રૂ. ૩૨ કરોડના વિકાસકામોનું ૨૦મી જાન્યુઆરીએ મુખ્ય પ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જનમેદનીને સંબંધોતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની વિકાસગાથા વર્ણવી હતી. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, જૂનાગઢ છેલ્લા બે વર્ષથી ખોદકામ ચાલે છે. બિસ્માર માર્ગની ફરિયાદ છે, પણ ભૂગર્ભ ગટરના કારણે પ્રજાજનોને હાલાકી વેઠવી પડે છે. હવે વધારે સહન નહીં કરવું પડે. જૂનાગઢના બે ઓવરબ્રિજ બનાવવા માટે રૂ. ૮૮ કરોડની જરૂરિયાત હોવાનું મેયરે જણાવતાં સ્થળ ઉપરથી જ આ નાણાં આપવાની જાહેરાત પણ મુખ્ય પ્રધાને કરી હતી.
જૂનાગઢ મહાનગર ઐતિહાસિક વિરાસત છે તેથી તેને હેરિટજ નગર તરીકે વિકસાવવામાં આવશે. નરસૈયાની નગરીને હેરિટેજ સિટી તરીકે વિકસાવવા રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે. આ માટે સરકાર જોઈએ તેટલા નાણાં અપાશે. માત્ર ગુણવત્તા અને સમયબદ્ધતા જાળવવાની રહેશે.
શિવરાજપુર બિચનો રૂ. ૧૦૦ કરોડના ખર્ચે વિકાસ
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ દ્વારકા જિલ્લાના શિવરાજપુરના બ્લુ ફ્લેગ બિચ ખાતે રૂ. ૨૦ કરોડના ખર્ચ પ્રથમ ફેઝમાં નિર્માણ કરવામાં થનાર પ્રવાસી સુવિધાઓનું ખાતમુહૂર્ત તથા તખ્તીનું અનાવરણ કરીને બિચના પ્રોજેક્ટ મોડલનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે રૂ. ૧૦૦ કરોડના ખર્ચે આ બિચનો વિકાસ કરવાની નેમ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ફેઝ-૨માં શિવરાજપુર બિચને રૂ. ૮૦ કરોડના ખર્ચે વધુ સુવિધાયુક્ત બનાવવામાં આવશે. આમ, રૂ. ૧૦૦ કરોડના ખર્ચ શિવરાજપુર બિચને આંતરરાષ્ટ્રીય સ્તરનો બિચ બનાવવામાં આવશે. મુખ્ય પ્રધાને કહ્યું કે, શિવરાજપુર બિચને ગોવાના બિચ કરતાં પણ વધુ સુવિધાજનક બનાવવામાં આવશે.