જૂનાગઢમાં સ્વામીનારાયણ મંદિરની ચૂંટણીમાં મતદારો ખોટા નોંધવા, ફોર્મ ખોટી રીતે રદ્ કરવા જેવી બાબતોને લઇ ત્રણ હરિભક્તોએ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં કોર્ટે હવેથી કલેક્ટરની અધ્યક્ષતામાં ચૂંટણી યોજવાનો ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. આ હરિભક્તો ડાહ્યાલાલ ગોકળદાસ ગોટેચા, વનમાળી કાનાબાર અને શાંતિલાલ રતનપરાએ કોર્ટમાં અરજી કરી મંદિરની ચૂંટણીનાં નિયમો બદલવા માંગ કરી હતી.
મહિલા સરકારી અધિકારી લાંચમાં ઝડપાઇઃ રાજકોટમાં હાઉસિંગ બોર્ડ કચેરીમાં એસ્ટેટ મેનેજર તરીકે ફરજ બજાવતા એક મહિલા ઉચ્ચ અધિકારીના પતિને તેમનાં વતી રૂ. ૨૦ લાખની લાંચ લેતા ઝડપી લેતા સનસનાટી મચી છે. હાઉસિંગ બોર્ડમાં પ્રભાતભાઈ ટપુભાઈ ઘોડાસરાએ એન.ઓ.સી. મેળવવા માટે અરજી કરી હતી. મહિલા એસ્ટેટ ઓફિસર નિધિબેન હિતેશ મોરબિયાએ રૂ. ૮૫ લાખની લાંચની માગણી કરી હતી. મહિલા ઓફિસરના કહેવા મુજબ તેમના પતિ હિતેશ રમણિકલાલ કુબાડિયા સાથે ડિલિંગ શરૂ કર્યું હતું. ગત સપ્તાહે રૂ. ૮૫ લાખની રકમ પૈકીનો રૂ. ૨૦ લાખનો પ્રથમ હપ્તો આપવાનું નક્કી થયું હતું અને મહિલા ઓફિસરના પતિ હિતેશ રમણિકલાલ કુંબાડીયા લાંચના રૂ. ૨૦ લાખ લેતા ઝડપાયા હતા.
કેસર કેરીનું ઉત્પાદન વધવાના એંધાણઃ સોરઠ પંથકમાં આંબાના બગીચામાં મોર બેસવાની પ્રક્રિયા સંતોષકારક રહેતા અને ધારણા કરતા પણ વધુ મોર આવતા આ વર્ષે કેરીનું વધુ ઉત્પાદન થવાનો અંદાજ છે. જોકે, આ સિઝનમાં આંબામાં એક મહિનો મોર મોડો બેઠો હોવાથી કેરીની સીઝન પણ મોડી શરૂ થશે. આ સમયે તાપમાન જળવાઇ રહે અને કુદરતી કોઇ રોગ ન આવે તો ઉત્પાદન સારૂ થવાની ધારણા છે.
નેરાણામાં ૫૦૧ સમૂહલગ્નનું આયોજનઃ પોરબંદરના રાણાંકડોરણાથી આઠ કિલોમીટર દૂર આવેલા નેરાણામાં પ્રથમવાર સર્વધર્મ ૫૦૧ સમૂહલગ્નનું આયોજન કરાયું છે. અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ યુગલોના નામ નોંધાયા છે. રાણાવાવ નગરપાલિકાના પ્રમુખ સામતભાઈ ગોગનભાઈ ઓડેદરા અને તેના પરિવાર દ્વારા સામાજિક જાગૃતિ અભિયાનના ભાગરૂપે આ સમૂહલગ્નનું આયોજન કરાયું છે. નેરાણામાં સોનલઆઈ માતાજી મંદિર પાસે ૨૭ એપ્રિલે સમૂહલગ્નોત્સવ યોજાશે. તેમાં દીકરીઓને કરિયાવરમાં ૪૦થી વધુ કિંમતી વસ્તુઓ ભેટ અપાશે. જે વરરજાનો પરિવાર સૌથી વધુ વ્યક્તિને જાનમાં લાવશે તેનું સન્માન કરાશે.