અમરેલીઃ બાબરા તાલુકામાં સ્વખર્ચે કરોડો રૂપિયાના ડેમો બનાવીને અમરેલી જિલ્લામાં રિવરમેન તરીકે ઓળખાતા સુરતના ઉદ્યોગપતિ જે. પી. ઠેસિયાને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. પોતે દાનમાં આપેલી જમીન પર બનેલી સરકારી પ્રાથમિક શાળામાં જઈને ૨૫મી નવેમ્બરે જે. પી.એ કોઈ બાબતે બોલાચાલી બાદ આચાર્ય મનસુખ ગોહિલને હોકી અને બેઝબોલના ધોકાથી માર માર્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બાબરા પોલીસના પીએસઆઈ રામાવત અને કોન્સ્ટેબલની ટીમ આ મામલે તપાસ માટે ૨૬મી નવેમ્બરે ઈંગોરાળા પહોંચી હતી ત્યારે જે.પી.એ પીએસઆઈને બે તમાચા માર્યા હતા. સાથે આવેલા બે કોન્સ્ટેબલને પણ માર માર્યો હતો. ઈજાગ્રસ્ત પીએસઆઈ અને કોન્સ્ટેબલને સારવાર અર્થે ખસેડી પોલીસે આ મામલે તાત્કાલિક ઠેસિયાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.