રાજકોટ/જેતપુરઃ જેતપુરના પેઢલા ગામે આવેલા ગોદામમાં ટેકાના ભાવે ખરીદી રખાયેલી મગફળીની ગુણીઓમાંથી નીકળેલા ધૂળ અને કાંકરાની તપાસ દરમિયાન અન્ય ગોડાઉનોની જેમ આ ગોદામ પણ સળગાવી દેવાનો પ્લાન હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. મગફળીની ગુણીઓના ચેકિંગમાં ૨૦ ટકા ભેળસેળ હોવાનું ખૂલ્યું છે. તો મગફળીના કૌભાંડોનો આંક રૂ. ૧૦૦ કરોડથી ઉપર પહોંચી ગયો છે. આ કૌભાંડમાં મોટા માથાની સંડોવણીનું અનુમાન કરવામાં આવે છે.
તાજેતરમાં ત્રીસેક જણાની તપાસની કાર્યવાહી ચાલી રહી છે તો ૨૩થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે આ કેસમાં ગુજકેટ નાફેડના અધિકારી તેમજ ધાણેજ મંડળીના સભ્યો સહિત ૨૩ની ધરપકડ કરી છે અને ત્રણ આરોપીઓ રિમાન્ડ પર છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, ૩૧મી જુલાઈએ સૌરાષ્ટ્ર ઝોન વેરહાઉસિંગ મેનેજર મગન નાનજી જાલાવાડિયાએ જેતપુર પોલીસ મંથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જમાવાયું હતં કે, ધાણેજ મંડળીએ ખરીદ મગફળીની ગુણીમાં ધૂળ-કાંકરીની ભેળસેળ કરાઈ છે. પોલીસે મંડળીના ત્રણ સભ્યોની ભૂમિકા બહાર આવતાં તેની ધરપકડ કરાઈ હતી.
પૂછપરછમાં ગુજકેટ-નાફેડના અધિકારીઓ તેમજ ધાણેજ મંડળીના ૧૪ સભ્યોની સંડોવણી ખુલતા ૧૯ની ધરપકડ કરાઈ છે. જેમાં મગન જાલાવાડિયા અને નાફેડના ચેરમેન વાઘજી બોડાના કૌટુંબિક ભત્રીજા અન નાફેડ જુનિયર ફિલ્ડ પ્રતિનિધિ રોહિત બોડાનો પણ સમાવેશ થાય છે.