જેતપુર: જૂનાગઢ રોડ પરના સાંકળી ગામ પાસે જેતપુર તાલુકા પોલીસે શંકાના આધારે એક કાર અટકાવીને તપાસ કરતાં તેમાંથી રૂ. ૫૦ લાખની રોકડ રકમ મળી હતી. આ રકમ અંગે કારમાં રહેલા મૂળ મેંદરડાના ગઢાળી ગામના વતની અને જૂનાગઢમાં રહેતા રક્ષિત ગાજીપરા અને જૂનાગઢના વિનોદ પીપળિયા સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. આ બન્નેની અટકાયત કરીને રૂ. ૫૦૦ અને ૧૦૦૦ના દરની ચલણી નોટના રૂ. ૫૦ લાખના બંડલ અને કાર કબજે કર્યા હતા. આ કેસની જાણ જેતપુર પોલીસે ઇન્કમ ટેક્સ ખાતાને કરી છે.
આ કેસની કાર્યવાહી હજી તો ચાલતી હતી ત્યારે જ વીરપુર પોલીસે બાતમીના આધારે પીઠડિયા ગામ પાસેથી પસાર થઇ રહેલી એક મિની મેટાડોરને અટકાવી હતી. આ મેટાડોરની તપાસ કરતાં ફાલ્કન કંપનીના સબમર્શિબલ પંપ અને તેના સ્પેરપાર્ટ ભરેલા બોક્સ નીચેથી રૂ. ૫૦૦ અને ૧૦૦૦ના દરની નોટના ભરેલા થેલા મળી આવ્યા હતા. આ નોટના બંડલની ગણતરી કરતાં રૂ. અઢી કરોડ હોવાનું ખુલ્યું હતું. આ અંગે મેટાડોરમાં બેઠેલા રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા બાવનજી જીજરાજભાઇ માલવિયા અને રજનીકાંત રામજીભાઇ ખૂંટની અટકાયત પોલીસે કરી હતી અને વીરપુર પોલીસે બંનેની પૂછપરછ કરી તો બંનેએ એવી કબૂલાત કરી હતી કે આ રકમ ફાલ્કન કંપનીના માલિક ધીરૂભાઇ સુવાગિયાની છે અને તેમના વતન મેંદરડા આ રકમ મૂકવા જવાનું જણાવ્યું હતું.