જેતપુર: જેતપુરનાં જેતલસર ચોકડી પાસે અકસ્માતમાં મૃત્યુ પામનાર રિક્ષા ચાલક અમુલખભાઇ વિરજીભાઇ બાવલીયાનાં મૃતદેહને ન સ્વીકારી તેમજ ઠાકોર સમાજ ઉપર બળ પ્રયોગ કરનાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માગના ચોથા દિવસે ૨૧મી એપ્રિલે ઠાકોર સમાજે જિલ્લા પોલીસ વડાની ખાતરી બાદ નરમ વલણ રાખી ૬૫ કલાક બાદ મૃતદેહ સ્વીકારી લીધો હતો.
ઠાકોર સમાજના લાશ ન સ્વીકારવાનાં નિર્ણયને કારણે પોલીસ ભારે મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી અને ઠાકોર સમાજનાં આગેવાનો સાથે જિલ્લા પોલીસ વડા અંતરિપ સુદે બે વાર બેઠક કરી પણ ઠાકોર સમાજ પોતાની માંગ પર અડગ રહેતાં પોલીસ ગૂંચવણમાં હતી. લાશ ન સ્વીકારવાનાં નિર્ણયના ચોથા દિવસે ઠાકોર સમાજનાં અન્ય આગેવાનો પણ જેતપુર આવવાનાં હોઈ પોલીસ દ્વારા સાવચેતીનાં પગલાં રૂપે જ્યાં મૃતદેહ રાખવામાં આવ્યો હતો. ત્યાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવીને શહેરમાં કંઇ અજુગતો બનાવ ન બને તે માટે હથિયારધારી પોલીસનો બંદોબસ્ત ખડો દેવામાં આવ્યો હતો. ઠાકોર સમાજ માટે વાટાઘાટો માટે રેન્જ આઇ.જી. ડી.એન. પટેલ અને જિલ્લા પોલીસ વડા અંતરિપ સુદ પણ જેતપુર હતા. આઇ.જી. અને પોલીસ વડા સાથે બેઠક બાદ ઠાકોર સમાજ દ્વારા લાશ સ્વીકારી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ અંગે મૃતકનાં ભાઇ રમેશભાઇને પૂછતાં તેમણે જણાવ્યું કે, પોલીસ અધિકારી જયેશ વાઢિયાની અત્યારે જ બદલી કરવા તૈયાર છે અને અમારા યુવાનો વિરુધ્ધ ફરજ રૂકાવટની ફરિયાદ હળવી કરી નાખશે તેવી બાંહેધરી આપતાં અમે લાશ સ્વીકારી લીધી છે.