રાજકોટઃ જૈન સાધ્વીજીઓ અને મુનિજી વિહાર કરે ત્યારે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે પદયાત્રા જ કરતા હોય છે અને કોઈ મોટી ઉંમરના સાધ્વીજી કે મુનિજી હોય તો તેમને વ્હીલચેરમાં બેસાડીને એક ગામથી બીજે ગામ વિહાર કરાવાય છે.
હાલમાં વિહાર માટે જે વ્હીલચેર વપરાય છે એની ઘણી મર્યાદા છે. આથી રાજકોટના એડવોકેટ કમલેશભાઈ શાહને સાધ્વીજીઓ અને મુનિ મહારાજના નિયમો જળવાઈ રહે અને તેઓ આરામદાયક વિહાર કરી શકે એવી વ્હીલચેર બનાવરાવવાનો વિચાર આવ્યો. આ વિચાર તેમણે રાજકોટના જ સામાન્ય ગેરેજ સંચાલક દીપક નગીનભાઈ કલોલિયાને જણાવ્યો. માત્ર ૯ ધોરણ પાસ દીપકભાઈએ માત્ર દોઢ મહિનામાં સોલાર એનર્જીથી ચાલે એવી વ્હીલચેર બનાવી છે.
અગાઉ દીપકભાઈએ વિકલાંગો પણ ચલાવી શકે તેવા ટુ-વ્હીલર તેમજ ફોર વ્હીલર બનાવ્યા છે.
ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં ફેરફાર કરીને માગ પ્રમાણે બનાવી આપવાની સૂઝ અને આવડત દીપકભાઈ ધરાવે છે. પદયાત્રીઓ માટે વ્હીલચેર બનાવવાનો વિચાર કમલેશભાઈએ જ્યારે તેમને કહ્યો ત્યારે આ કામ પણ તેમણે ચેલેન્જ તરીકે ઉપાડી લીધું હતું.
જૈન સાધ્વી કે મુનિજીઓને વિહાર કરવા માટે બનાવાયેલી આ સોલાર સિસ્ટમથી ચાલતી વ્હીલચેર બનાવવા માટે દીપકભાઈએ જૈન ધર્મના નિયમો વિશેનું માર્ગદર્શન પાલિતાણામાંથી ગુરુમહારાજો પાસેથી લીધું હતું. આ કદાચ દેશની પ્રથમ સોલાર સિસ્ટમથી ચાલતી પદયાત્રી વાહિની હશે તેવું કમલેશભાઈ જણાવે છે.