પોરબંદરઃ ૧૨ દિવસ પહેલા યમન, ઓમાન અને સોકોત્રા આઈલેન્ડ વિસ્તારમાં ૧૭૦ કિ.મી.ની ઝડપે ‘મેકુનું’ વાવાઝોડું ફૂંકાયું હતું. જેમાં સૌરાષ્ટ્રનાં અનેક વહાણો લાપત્તા થયાં હતાં. આ પૈકી કેટલાક વહાણોમાંથી બચાવાયેલા ૬૮ ખલાસીઓને લઈ સુનયના શીપ સાતમીએ પોરબંદરની ઓલ વેધર પોર્ટની જેટીએ આવી પહોંચી હતી. નેવી દ્વારા બચાવીને પોરબંદર લવાયેલા ખલાસીઓએ એવું જણાવ્યું હતું કે મોજું એટલું વિકરાળ હતું કે, જોતજોતામાં વહાણમાં ઘૂસી ગયું હતું.
અમે સોકોત્રાથી ૩૦ માઈલ દૂર હતા ત્યારે નજીકના બંદર ઉપરથી તાત્કાલિક પહોંચી જવા જણાવ્યું હતું. અમારી સાથે બિસ્કીટ અને ચોખા સહિતનો માલ વહાણમાં ભરેલો હતો. તેથી વધુ ઝડપે જઈ શકાય તેમ ન હતું. સોકોત્રાથી પાંચ નોટીકલ માઈલ દૂર હતા ત્યાં વાવાઝોડું ત્રાટક્યું હતું. વિકરાળ તોફાનમાં સદનસીબે હિંમત દાખવીને દરિયામાં કૂદી જતાં અને લાકડાના પાટીયાનો સહારો મળી જતાં જિંદગી બચી ગઈ હતી. કમાન્ડિંગ ઓફિસર માનવ વિકાસે જણાવ્યું હતું કે, દિલ્હી નૌસેનાથી મેસેજ મળ્યો કે સોકોત્રા આઈલેન્ડ નજીક આ ક્રૂ મેમ્બરો છે, ત્યારે નેવીના જવાનો માટે મુશ્કેલીઓ વધી ગઈ હતી. કેમ કે, સોકોત્રા આઈલેન્ડ પર મોટી શીપ જઈ શકે તેમ ન હતી ત્યાં નાની શીપ લઈને જવું પડે.
આ ઉપરાંત વાતાવરણ પણ ખરાબ હોવાથી રેસ્ક્યુ અઘરું હતું. પરંતુ નેવીના દ્વારા બે નાની બોટમાં પાંચ નોટિકલ માઈલ દૂર મરીન કમાન્ડો ઉતાર્યા, જેઓએ હિંમતપૂર્વક ખલાસીઓએ સુધી પહોંચીને તેમના પાસપોર્ટ ચેક કરી ઓળખ મેળવી વેરીફાઈ કરાયા ત્યાર બાદ ૩-૪ કલાકમાં તમામને નેવીની બોટમાં ખસેડાયા હતા.