સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા, પાટડી તાલુકાના છેવાડાના ગામડાઓમાં કચ્છના નાના અને મોટારણમાં ઘુડખરની વસ્તી ગણતરી કામગીરી વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. વન વિભાગના કહેવા મુજબ, અગાઉ ૨૦૧૪માં ઘુડખરની ગણતરી કરવામાં આવી હતી. તે વેળા ૪૫૦૦૦થી વધુ ઘુડખરની સંખ્યા નોંધાઇ હતી. આ વર્ષે વધુ થવાની ધારણા છે. આ અભયારણ્ય કચ્છના નાના રણ અને આસપાસના અન્ય જિલ્લાઓને જોડતા અંદાજે ૪૯૫૩ ચોરસકિમી વિસ્તારમાં છે. આ વિસ્તારમાં ૧૯૭૩ અને ૧૯૭૮ના જાહેરનામાથી ઘુડખર અભયારણ્ય જાહેર કરવામાં આવ્યો છે. ઘુડખર એક સમયે ઉતર, પશ્વિમ ભાગમાં સામાન્ય હતું. હાલમાં માત્ર ગુજરાત રાજ્યમાં કચ્છના રણમાં જ જોવા મળે છે. આ વિસ્તારમાં ઘુડખર મોટાભાગે જૂથમાં જ જોવા મળે છે. આ ભારતીય ઘુડખરની પ્રજાતિ વિશ્વમાં માત્ર કચ્છના નાના રણમાં જ જોવા મળે છે. વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે ગણતરી થાય છે. વન વિભાગે જણાવ્યું કે, આ ગણતરી માટે રિજનલ ઓફિસ, ઝોનલ ઓફિસ, સબ ઝોનના ૩૬૨ ગણતરીકારો, સ્વૈચ્છિક સંસ્થાના સ્વયંસેવકો મળી અંદાજે ૧૨૦૦થી વધુ લોકો કામગીરીમાં જોડાયા છે.
પ્રવાસી પ્રવેશ નિષેધ
આ ગણતરીમાં કોઇ ખલેલ કે વિક્ષેપ ન પહોંચે તે માટે પ્રવાસીઓ અને તમામ વાહનો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. આ ગણતરીમાં ઘુડખર ઉપરાંત અનેક અલભ્ય પ્રકારના વન્યપ્રાણીઓ જેવા કે કાળીયાર, વરુ, ચિંકારા, રણબિલાડી વગેરેનો અંદાજ પણ મેળવવામાં આવશે. ગણતરી દરમિયાન ઘુડખરના કુદરતી નિવાસસ્થાનમાં ઘુડખરના ખોરાકની ઉપલબ્ધિ તેમજ વિવિધ પડકારની પણ મોજણી કરી નોંધ લેવામાં આવશે. આ વખતે ગણતરીમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ પણ કરાશે. રણ વિસ્તાર સહિત રણકાંઠે આવેલા અને ગામડાંઓમાં પણ ઘુડખરની ગણતરી કરવામાં આવશે. ઘૂડખરો ખોરાકની શોધમાં ઝાલાવાડના વઢવાણ તાલુકાના અનેક ગામડાઓમાં, ખેતરોમાં જોવા મળે છે.