ભાવનગરઃ ભાવનગરના ટીંબી ગામે તાજેતરમાં દલિત યુવકનું અપમાન કરીને તેની કેટલાક લોકોએ તીક્ષ્ણ હથિયારોથી મારીને હત્યા કરાઈ હતી. આ ઘટનાના પગલે દલિતોમાં રોષ જોવા મળ્યો હતો.
ઉમરાળા તાલુકાના ટીંબી ગામે રહેતાં દલિત યુવાન પ્રદીપભાઈ કાળુભાઈ રાઠોડ (ઉ. વ. ૨૧) નામનો યુવક તેની ઘોડી પર બેસી ગામમાંથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે કેટલાક લોકોએ તેને આંતરીને ઘોડી ઉપરથી ઉતારી મૂક્યો હતો. એ પછી યુવકને જાતિ બાબતે અપમાનિત કરીને કહ્યું કે, ‘હવે કોઈ દિવસ ઘોડી પર બેસતો નહીં’. આટલેથી વાત ન પૂરી થતાં યુવકને ગાળો આપીને તેના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે ઘાયલ યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક યુવાનના પિતા કાળુભાઈ રાઠોડે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં પુત્રની હત્યાની ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદમાં પીપરળી ગામના દરબાર, ટીંબી ગામના નટુભા દરબાર તથા અન્ય અજાણ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેથી પોલીસે નાસી છૂટેલા ત્રણની અટકાયત કરી છે અને કેસ આગળ ચલાવ્યો છે.