ધોળકાઃ બગોદરા - ધોળકા હાઈવે ઉપર વાલથેરા ગામ નજીક ચોથી નવેમ્બરે ટ્રક અને છોટા હાથી ટેમ્પો વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં રાજકોટના સોખડા ગામના ૧૪ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ત્રણ જણા ઈજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે સોખડા ગામમાં માતમ છવાઈ ગયો હતો. કોઠ પોલીસે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી ફરાર ડ્રાઈવરને શોધવા ટીમ રવાના કરી છે. સોખડાના ૧૭ શ્રદ્ધાળુઓ ટેમ્પોમાં પાવાગઢ મંદિરે દર્શને ગયા હતા. ગામ પાછા ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. મોરબીથી આંધ્રપ્રદેશ ટાઈલ્સ ભરીને જઈ રહેલી ટ્રક સામસામે અથડાતાં ટેમ્પોનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ કેબિનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાત્રે ૩ વાગ્યે ધોળકા પહોંચી ગયા હતા અને તેમણે મૃતકોના સ્વજનોને દિલાસો આપ્યો હતો. સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને સહાય અપાવવાની પણ તેમણે હૈયાધારણ આપી હતી. મૃતકો પ્રત્યે રાજ્યપાલ ઓ. પી. કોહલીએ પણ શોક વ્યક્ત કર્યો હતો.
મુસ્લિમ યુવકો મદદે આવ્યા
૧૪ મૃતકોનાં શબ ધોળકા સરકારી દવાખાને રાત્રે દોઢ વાગ્યે લાવવામાં આવ્યા ત્યારે મૃતદેહોને ગાડીમાંથી ઉતારવા માટે પોલીસની ધોળકાના મુસ્લિમ યુવકોએ મદદ કરી હતી.
પિતા-પુત્ર તથા બે સગાભાઈનાં મોત
સોખડાનાં ઝીંઝરીયા પરિવારના ૯ સભ્યોનાં આ અકસ્માતમાં મોત થયા છે. જેમાં પિતા-પુત્ર તથા બે સગા ભાઈઓનો સમાવેશ થાય છે. મૃતકોમાં બે બાળકો પણ છે.
રૂ. ૪ લાખની સહાય
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સાંત્વના પાઠવી હતી તથા પ્રત્યેક મૃતકના વારસદારને રૂ. ૪ લાખની સહાય રાજ્ય સરકાર તરફથી આપવાની જાહેરાત કરી હતી.
એકસાથે ૧૪ અરથી
રાજકોટ નજીકનાં નવાગામ સાત હનુમાન પાછળના ભાગે આવેલા ૩ હજારની વસ્તી ધરાવતા સોખડામાં આજીવન ન ભુલાય આ કરુણાંતિકા છે. તળપદા કોળી સમાજના એકસાથે ૧૪ જણા અકસ્માતમાં મૃત્યુ પામતાં સોખડામાં આક્રંદ થઈ પડ્યું હતું. નાનકડા સોખડાનું સ્મશાન પણ એકસાથે ૧૪ લોકોની અંતિમવિધિ માટે ટૂંકુ પડયું હોવાથી ૧૪ મૃતદેહોની અંતિમવિધિ ખુલ્લા મેદાનમાં કરાઈ હતી. આસપાસના ગામો પણ સ્વયંભુ બંધ રહ્યા હતા. અંતિમવિધિ માટે લાકડાની અછત ઊભી થતાં જે ગાડીમાં મૃતદેહ લાવવામાં આવ્યા હતા એ જ ગાડીમાં આજુબાજુથી લાકડા સારવાની વ્યવસ્થા કરાઈ હતી.