ગોંડલ: સૌરાષ્ટ્રના રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર બિલિયાળા ગામના પાટિયા પાસે બીજી જાન્યુઆરીએ પરોઢિયે કપાસ ભરેલી ટ્રક અને સુરેન્દ્રનગર તાલુકાના ખેરાડી ગામે લૌકિક ક્રિયા અર્થે જતી કાર વચ્ચે અકસ્માત સર્જાતાં બંને વાહનો સળગી ઉઠ્યા હતા. આ આગમાં ક્ષત્રિય સમાજના આગેવાન મહારાજા ભોજરાજ સિંહજી વિદ્યાર્થી ગૃહ - ટ્રસ્ટ પ્રમુખ ભીખુભા જાડેજાનાં પત્ની રેખાબા, રસિકબા કિશોરસિંહ રાયજાદા અને મહેશસિંહ રાયજાદાનાં પત્ની મુકુંદબાનું મૃત્યુ થયું હતું. કારમાં પાછળની સીટમાં બેઠેલી ત્રણેય મહિલાઓ આગમાંથી બહાર નીકળી શકી નહોતી અને એક માત્ર મહેશસિંહને કારમાંથી બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જઈ શકાયા હતા. મૃતકોનાં પીએમ માટે ત્રણેય મહિલાઓનાં મૃતદેહોને ગોંડલ સરકારી દવાખાને લઈ જવાયા બાદ ફેરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયા હતા. વાહનોમાં આગ ફેલાતાં જ ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા, પરંતુ બંને વાહનોમાં ભયંકર આગ ફેલાઈ હતી. આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.