માળિયામિંયાણા: હળવદ હાઇ-વે પર વાધરવા ગામ પાસે જામનગરની ટ્રાન્સપોર્ટ કંપનીના પરપ્રાંતીય ટ્રકચાલકની હત્યા કરીને લૂંટ કરવાના બનાવમાં ડફેર ગેંગના સંજયસિંહ ઉર્ફે મુન્નો ઘનશ્યામસિંહ અને કિશન ચંદુભાઇ જાદવને ઝડપી લેવાયા હતા. જ્યારે તેના નવ સાગરીતને પકડી પાડવા પ્રયાસ ચાલી રહ્યા છે. હાઇ-વે પર સ્ત્રીવેશ ધારણ કરીને ટ્રકચાલકોને બેટરીમાંથી પ્રકાશ પાડીને મદદ માગવાના બહાને આ ટોળી લૂંટ ચલાવતી હોવાનું બહાર આવ્યું છે.
પોલીસ દ્વારા હાઇ-વે પરની હોટલ સહિતના સ્થળેથી સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્ર કરીને તપાસ કરતાં એક ઇકો કારની હિલચાલ શંકાસ્પદ જણાઇ હતી. તેના આધારે એ કારની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. એ ઇકોકારને ભીમસર ચોકડી પાસેથી પકડી પાડવામાં આવી હતી. તેમાંથી સંજયસિંહ ઉર્ફે મુન્નો ઘનશ્યામસિંહ દરબાર અને કિશન ચંદુભાઇ જાદવ ઝડપાયા હતા. આ બંનેએ કબૂલ્યું કે તેની સાથે તેના વતન બાવળાના ગાંગડના ગામના ડફેર જમાલ ઉર્ફે સલીમ દાઉદ, રમઝાન દાઉદ, લાલો કાવા, કાવા દાઉદ, હૈયાઝ દાઉદ, રેથલ ગામ તથા કટિયા સુલેમાન ડફેર, આમદ મયુદીન, અકબર સુમાર, રાણપુરના દેવળિયાનો સદામ ઇસ્માઇલ ડફેર પણ આવી લૂંટમાં સામેલ હોય છે.