અમદાવાદ: કેમિકલ એન્જિનિયર તરીકે નિવૃત્ત થયા પછી કોરોના કાળમાં કંઇક હકારાત્મક કાર્ય કરવું તેવા આશય સાથે ગિરીશ ધુલિયા અને તેમના ભાઇ રાજેશ ધુલિયાએ ઠંડા પ્રદેશમાં જ થતી સ્ટ્રોબેરીની ખેતી ગોંડલ પંથકમાં શરૂ કરી હતી. પાણીની અછત ધરાવતા સૌરાષ્ટ્રના ગોંડલ પંથકમાં સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરીને રોજના ૫૦ કિલો જેટલું ઉત્પાદન તેઓ મેળવે છે. સ્ટ્રોબેરીની ખેતીમાં સૌથી મોટો પડકાર તાપમાન હોય છે. ૨૦-૩૦ ડિગ્રી જેટલું નીચું તાપમાન હોય તો જ સ્ટ્રોબેરીનો સારો પાક લઈ શકાય છે. સ્ટ્રોબેરીની ખેતી વખતે પાણીમાં ટીડીએસને નિયંત્રિત કરવાનું હોય છે. તાપમાન નિયંત્રિત કરીને શીતળ રાખવા માટે બંને ભાઈઓએ કમર્શિયલ આરઓ સિસ્ટમ અપનાવી મલ્ચિંગ કર્યું. મહાબળેશ્વરથી સ્ટ્રોબેરીનાં છોડવાઓ લાવીને ગોંડલ પંથકમાં વાવેતર કર્યું હતું.
કિલોએ રૂ. ૪૦૦નો ભાવ
ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા સ્ટ્રોબેરીના પાકને સતત પાણી આપી ભાઈઓએ તાપમાન ઠંડુ રાખ્યું છે. ગોંડલમાં ઉત્પાદિત સ્ટ્રોબેરી સૌરાષ્ટ્રના માર્કેટમાં કિલોદીઠ રૂ. ૪૦૦ના ભાવે વેચાય છે. બંને ભાઈઓ રોજની ૫૦-૬૦ કિલો સ્ટ્રોબેરી વેચી રહ્યા છે એટલે મહિને અંદાજે રૂ. ૬ લાખની કમાણી બંને ભાઈઓ કરી રહ્યા છે.
નિવૃત્તિ બાદ વિચાર સ્ફૂર્યો
બંને ભાઈઓ નોકરીમાંથી નિવૃત્તિ થયા બાદ કોરોના કાળ અને લોકડાઉનમાં નવરા હતા. બંનેને કંઈક ઈનોવેશન અપનાવવાનો વિચાર આવ્યો. ૧૫ ઓક્ટોબરથી તેમણે સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું. અત્યાર સુધીમાં રોજિંદા ૫૦ કિગ્રા સ્ટ્રોબેરી ઉત્પાદિત થઈ રહી છે. માર્ચ સુધી રોજિંદા ૧૦૦ કિગ્રા સ્ટ્રોબેરી ઉત્પાદિત કરવાનો લક્ષ્યાંક બંને ધરાવે છે. સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીના છોડદીઠ ૧ કિગ્રા સ્ટ્રોબેરી ઉત્પાદિત થાય છે. એક છોડમાં ૧.૨૫ કિગ્રા સ્ટ્રોબેરીની આવક મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. હવામાન સાથ આપે તો સફળતા અવશ્ય મળશે.