ભાવનગરઃ ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જોકે સમગ્ર ઉજવણીમાં શિરમોર સમાન પ્રસંગ હતો ભરવાડ સમાજની બહેનો દ્વારા યોજાયેલો વિશ્વવિક્રમ સર્જક હુડો રાસ. 20 માર્ચે યોજાયેલા હુડો રાસમાં સમાજની બે-ચાર હજાર નહીં, 75 હજાર કરતાં પણ વધુ બહેનો પરંપરાગત વેશભૂષામાં ઉમટી પડી હતી અને એકસાથે રાસ રમીને વિક્રમ નોંધાવ્યો હતો. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મંદિરના મહંત રામબાપુને વિશ્વ વિક્રમની નોંધ સાથેનું પ્રમાણપત્ર આપ્યું ત્યારે ઠાકરધામ ગગનભેદી નારાથી ગાજી ઉઠ્યું હતું.
શ્રદ્ધા-સંસ્કૃતિ-પરંપરાનો સુમેળ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના વીડિયો સંદેશામાં ભરવાડ બહેનોના હુડો રાસને શ્રદ્ધા, સંસ્કૃતિ અને પરંપરાના સુમેળભર્યા મિશ્રણ તરીકે વર્ણવતા કહ્યું હતું કે ‘ભાવનગરની ભૂમિ જાણે શ્રીકૃષ્ણના વૃંદાવનમાં પરિવર્તિત થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે.
લોકો અહીં કૃષ્ણના સત્વમાં લીન થઈ ગયા છે. તેમણે ઉમેર્યું હતું કે, ‘બાવળિયાળી ઠાકરધામ માત્ર એક ધાર્મિક સ્થળ જ નથી, પરંતુ ભરવાડ સમાજ અને અન્ય ઘણા લોકો માટે આસ્થા, સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક છે.’
વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે, નાગા લાખા ઠાકરનાં આશીર્વાદ સાથે બાવળિયાળીનું પવિત્ર સ્થળ ભરવાડ સમુદાયને હંમેશાં સાચી દિશા અને અનંત પ્રેરણા પ્રદાન કરે છે.