‘બળવંત જાની અભિવાદન સમારોહ સમિતિ’ના ઉપક્રમે રાજકોટની આત્મીય કોલેજના સભાગૃહમાં ૧૧ નવેમ્બરે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ડો. જાનીનું શાલ, પાઘ, રજતશ્રીફળ, સ્મૃતિચિહ્ન અને રૂ. બે લાખ બાવન હજારની ધનરાશી-એમ પંચવિધ રીતે અભિવાદન થયું હતું. ડો. જાનીને સંશોધન કાર્યમાં સહયોગ આપવા બદલ તેમનાં પત્ની ડો. ઊર્મિલા શુક્લનું પણ સમિતિએ સન્માન કર્યું હતું.
પૂ. મોરારિબાપુએ કહ્યું કે બળવંતભાઇ ચતુર્ભુજ, ચતુર્વર્ણ છે અને ચતુર્યુગી વ્યક્તિત્વ છે. તેમની એક ભૂજામાં લોકસાહિત્ય, બીજી ભૂજામાં સંત સાહિત્ય, ત્રીજી ભૂજામાં શિષ્ટ સાહિત્ય અને ચોથી ભૂજામાં ડાયસ્પોરા સાહિત્ય છે. ચતુર્વર્ણમાં તેમના પગ ઢંકાયેલા છે. સદાચાર છે, એ બ્રાહ્મણ વર્ણ છે. પાઘડી પહેરી છે તે વૈશ્ય વર્ણ છે, ઇનશર્ટ કર્યું છે તે સેવક છે. શાલ ઓઢી છે તે શુદ્ર છે.
ડો. બળવંતભાઈ ચતુર્યુગી પણ છે. સતયુગના સંદર્ભમાં ધ્યાન ધારણા કરી છે. કામ કરે છે, ત્રેતાયુગમાં સદભાષી છે. મીતભાષી છે, દ્વાપર યુગમાં સતત લોકોના સેવાકીય કાર્યોમાં સાથ આપે છે. આવા ચતુર્ભૂજી, ચતુર્વર્ણી, ચતુર્યુગી વ્યક્તિત્વનું સન્માન થવું જ જોઈએ. મોરારિબાપુએ શિક્ષકનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું.
રાજ્યના માહિતી આયોગ કમિશનર વસંતભાઈ ગઢવીએ ડો. બળવંત જાનીના સાહિત્યના વિવિધ પાસાની છણાવટ કરી હતી. લોકસાહિત્ય ક્ષેત્રે તેમણે કરેલી કામગીરીને બિરદાવી હતી. તેમણે કહ્યું કે, એક અધ્યાપકે કે શિક્ષકનું સન્માન થાય એ તંદુરસ્ત સમાજની નિશાની છે. ભાજપના રાષ્ટ્રીય નેતા પુરુષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે બળવંતભાઈ જાનીના સન્માન માટે રચાયેલી સમિતિ લોંઠકી (બળુકી) છે.
ડો. બળવંતભાઈએ સામાન્ય લોકોને સમજાય એ રીતે લોકસાહિત્ય, સંત સાહિત્યની ચાવીઓ ખોલી આપી છે. અખિલ ભારતીય સાહિત્ય પરિષદના સંગઠનમંત્રી શ્રીધર પરાડકરે ડો.જાનીને સાચા સ્વયંસેવક ગણાવીને કહ્યું હતું કે જ્યાં સ્વંયસેવક હોય ત્યાં સન્માનમાં જવું જરૂરી બને છે. ડો. જાની અખિલ ભારતીય સાહિત્ય પરિષદના નવ વર્ષ સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા.
ડો. જાનીએ અભિવાદનનો પ્રતિભાવ આપતા આ સન્માનને પોતાના જીવનની સૌથી મોટી મોટી ક્ષણ ગણાવી હતી. તેમને પોતાને મળેલી ધનરાશિમાં પોતાના તરફથી રૂ. ૫૦ હજાર ઉમેરીને તેમના વતન કળાપુરમાં શિવમંદિરના જિર્ણોદ્ધાર, અખિલ ભારતીય સાહિત્ય સભા, ડાયસ્પોરા એવોર્ડ, સૌરાષ્ટ્ર યુનિ. ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર અને સરસ્વતિ શિશુમંદિર તમામને રૂ. ૫૧ હજાર આપવાનું જાહેર કર્યું હતું. આ સમિતિમાં વજુભાઇ વાળા, માવજીભાઇ, રાજુલ દવે, નલીન ઝવેરી, ડો. અંબાદાન રોહડિયા, મનીષ જ્યોતિન્દ્ર મહેતા, જયંતિભાઇ ચાંદ્રા, ગોપાલભાઇ પટેલ અને રામભાઇ મોકરિયાનો સમાવેશ થાય છે. સમારંભની ભૂમિકા અંબાદાનભાઈ રોહડિયાએ રજૂ કરી હતી. આભારવિધિ રાજુલ દવેએ કરી હતી, જ્યારે સમારોહનું સફળ સંચાલન તુષાર જોશીએ કર્યું હતું.