અમદાવાદઃ સુરેન્દ્રનગરના વૈજ્ઞાનિક અને એઈડ્સની દવા પરના સંશોધક ડો. મુકેશભાઈ શુક્લ (૬૮) પર સુરેન્દ્રનગરમાં ૨૧મી એપ્રિલે કેમિકલ હુમલો, લૂંટ તથા આઈએસઆઈના નામે પહેલી એપ્રિલે જ ધમકીભર્યો પત્ર મળવાના કેસમાં આ વૈજ્ઞાનિક જ આરોપી હોવાનું બહાર આવ્યું છે. તેમના પર થયેલા કેમિકલ હુમલાની ફરિયાદ પછી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તેમની સામાન્ય પૂછપરછ હાથ ધરી હતી. તેમાં પ્રસિદ્ધિ ભૂખ્યા તબીબે જ પોતાના કરતૂતોની કબૂલાત કરતાં તેમની ધરપકડ થઈ હતી. તપાસમાં તેમના પર છંટાયેલું કેમિકલ સ્પ્રે અમદાવાદનાં મોલમાંથી પોતે જ ખરીદ્યું હોવાનું બહાર આવ્યું હતું. પોતાના સંશોધનની કોઈ નોંધ ન લેતું હોવાથી પોતાના પર જ કેમિકલ હુમલો કરીને અને પોતાને છરીના ઘા મારીને તબીબે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.