ઢસા સ્વામીનારાયણ મંદિરના સ્વામી સહિત ૩ને દસ વર્ષનો કારાવાસ

Monday 01st February 2021 04:21 EST
 

ભાવનગરઃ શહેરના ભરતનગર વિસ્તારમાંથી ૬ વર્ષ પહેલાં જાલી નોટ કૌભાંડ પકડાયું હતું. ભરતનગર વિસ્તારમાં પકડાયેલી જાલી નોટનો છેડો બોટાદ જિલ્લામાં પહોંચતા ઢસા સ્વામીનારાયણ મંદિરના સ્વામી સહિત ૭ સામે જે તે સમયે ગુનો નોંધાયો હતો. આ કેસમાં મુખ્ય સૂત્રધારને આજીવન કેદ જ્યારે ઢસાના સ્વામી સહિત ત્રણને ૧૦ -૧૦ વર્ષના કારાવાસની સજા ભાવનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટે તાજેતરમાં ફરમાવી હતી.
ભરતનગરમાં જીએમડીસી ક્વાર્ટર પાસેના ખુલ્લા મેદાનમાંથી ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપના સ્ટાફે ૨૩-૩-૨૦૧૫ના રોજ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. દરોડામાં ભુપત પોપટભાઇ જાપડીયા (ઉ. વ. ૪૨) મહેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો જીતુભા ગોહિલ (ઉ. વ. ૩૨), કાવા મેપાભાઇ મેર (ઉ. વ. ૪૨), લક્ષ્મણ ભીમાભાઇ ગોહિલ (ઉ. વ. ૪૫) અને રાજુ પોપટભાઇ ડોડીયા (ઉ. વ. ૩૫)ને જાલીનોટના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા અને રૂ. ૫૦૦ના દરની બનાવટી ચલણી નોટ નંગ ૩૮૫ કબજે લેવાઈ હતી. ભુપત જાપડીયાના ઘરે તપાસ કરતાં બનાવટી નોટો બનાવવાના ઉપયોગમાં લેવાયેલ કમ્પ્યુટર સિસ્ટમ, બ્લેડ, પ્રિન્ટર, પેપર સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો. કાવા મેર, લક્ષ્મણ ગોહિલ, રાજુ ડોડીયા અને ચંદ અમરશીભાઇ શિંગાળા (ઉ. વ. ૪૫)એ ઢસા સ્વામીનારાયણ મંદિરમાં સ્વામી અક્ષર પ્રકાશદાસજી ગુરુસ્વામી ધર્મવિહારી દાસજી (મૂળ નામ અરવિંદ પોપટભાઇ સાવલીયા, ઉ. વ. ૪૮) પાસે જઇને ભુપત ઝાપડીયાના રહેણાક મકાને પોતાની કમ્પ્યુટર સિસ્ટમથી રૂ. ૫૦૦ના દરના ૬ બંડલ, રૂ. ૩ લાખની બનાવટી ચલણી નોટો બનાવી મહેન્દ્રસિંહ ગોહિલ હસ્તક અન્યએ સ્વામી અક્ષરપ્રકાશને આપી તેના બદલામાં રૂ. દોઢ લાખ મંગાવી ચંદ શિંગાળાએ આપ્યા હતા. ત્યારબાદ સ્વામીએ રાજુ ડોડીયા અને ચંદ શિંગાળાને બોલાવી રૂ. બે લાખની બનાવટી નોટો આપી પોતાની પાસે રૂ. ૧ લાખની બનાવટી નોટો રાખી હતી. સ્વામીએ પોતાની પાસેની રૂ. ૧ લાખની બનાવટી નોટો મંદિરના રસોડામાં બાળી નાશ કર્યો હતો. ઉક્ત તમામે જાલી નોટો બનાવી તેનો સાચા ચલણ તરીકે ઉપયોગ કરી મૂકી પુરાવાનો નાશ કરી એકબીજાને મદદગારીના ગુનામાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપના પી.એસ.આઇ. રાઠોડે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ઇપીકો ૪૮૯(એ) (બી) (સી) (ડી), ૨૦૧, ૧૧૪, ૩૪ મુજબ ગુનો દાખલ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter