જામનગરઃ જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી એક તરુણીને દેહવિક્રયમાં ધકેલવા તેમજ તરુણી પર ગેંગરેપ અંગેના કેસમાં જામનગરની પોક્સો અદાલતે પીડિતાની માતા અને તેની મોટી બહેન સહિત આઠ આરોપીઓને દોષી ઠેરાવ્યા હતા. ૧૭ જુલાઈએ તરુણીની માતા તથા બહેનને સાત સાત વર્ષની જેલ સજા ઉપરાંત ગેંગરેપના પ્રકરણમાં જામનગરના એક ઉદ્યોગપતિ સહિત છને આજીવન કેદની સજા ફટકારી છે.
જામનગરના લાલવાડી વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાની સગી પુત્રીને ડરાવી ધમકાવી વેશ્યાવૃત્તિના ધંધામાં ધકેલી એમાં પીડિતાની મોટી બહેને પણ મદદગારી કરી હતી. આ ઉપરાંત પીડિતા પર ગેંગરેપ અંગે જામનગરના અગ્રણી ઉદ્યોગપતિ ભાવેશ સાયાણી ઉપરાંત રણજીતસિંહ ખુમાનસિંહ જાડેજા, બસીર હસન, અકબર ગુલામ, વિનોદ હરીભાઈ અને કિરણ જેરામભાઈ સહિત છ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
સરકારી વકીલની દલીલો જુદી જુદી અદાલતના ચુકાદાઓ તબીબની જુબાની ૧૦ સાક્ષીઓ અને ૫૦થી વધુ દસ્તાવેજી પુરાવાઓ વગેરે ધ્યાનમાં લઈને પોક્સો અદાલતે તરુણીની માતા અને બહેન ઉપરાંત અન્ય છ પુરુષ આરોપીઓને તકસીરવાન ઠેરવ્યા હતા.
આ કેસનો ચુકાદો તાજેતરમાં જાહેર કરાયો છે. જેમાં પીડિતાની માતા અને બહેનને સાત સાત વર્ષની જેલ સજા, જ્યારે અગ્રણી ઉદ્યોગપતિ ભાવેશ સાયાણી સહિત અન્ય છ પુરુષ આરોપીઓને જીવે ત્યાં સુધી એટલે કે આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં સરકાર તરફે વકીલ એ પી પી કોમલબહેન ભટ્ટ રોકાયા હતા.