જેતપુરઃ બારમા ધોરણમાં અભ્યાસ કરતી જેતપુરની તરુણી સાથે ધવલ પારખિયા નામના યુવાને મિત્રતા કેળવી હતી. તાજેતરમાં જેતપુરમાં કોટડિયા વાડી વિસ્તારમાં રહેતા મિત્ર રાજુભાઇના ઘરે તરુણીને મળવા માટે બોલાવી હતી. ત્યાં રાજુભાઇ અને અદા નામના ધવલના મિત્રોએ છરી બતાવી તરુણી પર બળાત્કાર ગુજાર્યો હતો.
ધવલે આ ઘટનાના તેના મોબાઈલમાં ફોટા પાડી લીધા હતા. એ પછી ધવલ તરુણીને ભીડભંજન મંદિર રોડ પર આવેલી એક વાડીમાં લઈ ગયો હતો.
ત્યાં વાડીના માલિક અને રાજકોટના રોનક દોંગા સહિત ત્રણ જણાએ ફરી છોકરી પર બળાત્કાર કર્યો હતો. છોકરી રડવા લાગતાં તેને ધમકી આપીને તેના ઘરે મૂકી દેવાઈ હતી.
ધવલે ફોટા વાયરલ કરવાની તેમજ તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી જુદી જુદી જગ્યાએ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાનું પણ પોલીસમાં નોંધાયું છે.
ધવલ દિલીપભાઈ ઘૂઘરવાળાના ઘરે પણ તરુણીને લઈ ગયો હતો ત્યાં તેમના પુત્ર ખુશાલને પણ ખુશ કરવા તરુણી પર દબાણ કરીને તેની પર બળાત્કાર ગુજારાયો હોવાનું ખૂલ્યું છે.
આ ઉપરાંત તરુણીને ધમકી આપીને તેની સોનાની બુટ્ટીની બે જોડી તેમજ રોકડ રૂપિયા પણ પડાવી લીધા હોવાથી તરુણી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું પોલીસમાં જણાવાયું છે. તરુણીના પરિવારે જણાવ્યું કે તેઓ વીરપુર પાસેથી તરુણીને પરત લઈ આવ્યા પછી તરુણીને હિંમત આપતાં તેણે આપવીતી જણાવી હતી.
એ પછી પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી. પ્રથમ ઇ - મેઈલ દ્વારા જિલ્લા પોલીસ વડા તેમજ સિટી પોલીસ સ્ટેશનમાં જાણ પછી સિટી પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે.