ભાવનગરઃ ચિત્રકૂટધામ તલગાજરડામાં છેલ્લા ૧૦ વર્ષથી સર્વજ્ઞાતિય સમૂહલગ્ન યોજાય છે. ૧૪ નવેમ્બરે મુંબઇની બે ગણિકાની પુત્રી સહિત સર્વજ્ઞાતિય ૨૨ દીકરીઓની સમૂહલગ્ન સંપન્ન થયા હતા. મોરારિબાપુના તલગાજરડા ગામે છેલ્લા ૧૦ વર્ષથી કારતકી બીજે સર્વજ્ઞાતિય સમૂહલગ્ન યોજાય છે. આ વખતે લગ્નોત્સવમાં ૨૦ દીકરીઓ સાથે મુંબઈની બે ગણિકાઓ ચાંદની અને રાધાની પુત્રીઓએ પણ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. ૨૦૧૮માં મુંબઈના કમાટીપુરામાં મોરારિબાપુએ ગણિકાઓને અયોધ્યાની કથામાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. એ પછી મોરારિબાપુએ અયોધ્યામાં માનસ ગણિકાની કથામાં સમાજ દ્વારા તિરસ્કૃત ગણિકાઓની સામાજિક અને કૌટુંબિક જવાબદારી લેવાની હાકલ કરીને ગણિકાઓને કહ્યું હતું કે તલગાજરડા તમારા બાપનું ઘર છે. તેના દરવાજા કાયમ માટે ખુલ્લા છે. જેની યથાર્થતા બે દીકરીઓનાં લગ્નથી સાબિત થઇ છે.
દીકરીઓનો હથેવાળો મેં કર્યો છે, વિશેષ ધ્યાન રાખજો
મોરારિબાપુએ આશીર્વચન પાઠવતા જણાવ્યું કે, સમૂહલગ્નોત્સવ કાર્યક્રમથી મને ઘણી પ્રસન્નતા છે. આ વર્ષે વિશેષ પ્રસન્નતા થઇ છે. ઉપેક્ષિત મહિલાઓની દીકરીઓ અને તેમના પરિવારનો જામનગર અને ઉપલેટાના દીકરાઓએ સ્વીકાર કર્યો તે દીકરાઓ તથા તેમના પરિવારોને અભિનંદન. આ સાથે દીકરીઓને સ્વીકારનાર પરિવારની વિશેષ જવાબદારી પણ ઉભી થઇ છે. કારણ કે આ દીકરીઓનો હથેવાળો મેં કર્યો છે. તેથી માટે વિશેષ ધ્યાન રાખજો. દીકરીઓને ઓછું ન આવે. મોરારિબાપુએ આ ઉપેક્ષિત મહિલાઓ માટે કામ કરતી સંસ્થાઓને અભિનંદન આપ્યા અને આવતા વર્ષે સંસ્થા દ્વારા તલગાજરડા સમૂહલગ્નમાં આવી અગિયાર દીકરીઓનાં લગ્ન કરાવાશે તેમ પણ કહ્યું હતું.