રાજકોટ: કથાકાર મોરારિબાપુના વતન તલગાજરડામાં ૨૫મી નવેમ્બર, રવિવારે સંતવાણી એવોર્ડ ૨૦૧૮ કાર્યક્રમ યોજાશે. ગુજરાતના પ્રાચીન ભજન સાહિત્ય એટલે કે સંતવાણીના ગાયકો-વાદકો, જેમણે આ પવિત્ર સંસ્કાર સરવાણીને વહેતી રાખવામાં પોતાની આજીવન ગાન વાદ્ય ઉપાસના દ્વારા સેવા આપી છે તેવા વિદ્યમાન ભજનિક અને વાદ્ય સંગીતકારોને મોરારિબાપુના સાંનિધ્યમાં સંતવાણી એવોર્ડથી સન્માનવામાં આવશે.
આ પ્રસંગે ભજનના મર્મીઓ દ્વારા સાંધ્યગોષ્ઠિમાં ભજન વિચાર અંતર્ગત વક્તવ્યો અને સુપ્રસિદ્ધ ભજનિકો દ્વારા સંતવાણીની રજૂઆત કરાશે. કાર્યક્રમ અંતર્ગત બપોરે ૩થી ૬ ભજન વિચાર પર રમેશ મહેતા દ્વારા સંગોષ્ઠિ રજૂ કરાશે.
રાત્રે ૮થી સંતવાણી એવોર્ડ અર્પણવિધિ ત્યાર બાદ ભજનિક લક્ષ્મણ બારોટ દ્વારા ભજન રજૂ થશે. જેમાં તબલા પર નરેન્દ્ર મહેતા, બેન્જો પર ખંડેરાવ જાધવ અને મંજીરા પર દલપતરામ દેસાણી સંગત કરશે.