મુંબઈઃ તાતા પાવરે મુંદ્રાના પાવર પ્લાન્ટની ૫૧ ટકા ઇક્વિટી માત્ર એક રૂપિયામાં વેચી દેવાની દરખાસ્ત કરી છે. કંપનીનો મુદ્રામાં ૪,૦૦૦ મેગાવોટની ક્ષમતા ધરાવતો પાવર પ્લાન્ટ છે. તાતા પાવરે આ દરખાસ્ત સાથે પાવર મિનિસ્ટ્રી અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમનો સંપર્ક કર્યો છે. વધી રહેલી ખોટને કારણે તાતા પાવર આ પાવર પ્લાન્ટથી ઇક્વિટીનું વેચાણ કરવાનો પ્લાન ધરાવે છે.
વિકલ્પો
તાતા પાવરે મુંદ્રા પ્લાન્ટ માટે જે કંપનીની સ્થાપના કરી છે. તે કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડે બે વિકલ્પ રજૂ કર્યાં છે. આ બે વિકલ્પમાં પાવર પરચેઝ એગ્રીમેન્ટના રિનેગોશિયેશન તેમજ ઇક્વિટીના વેચાણનો સમાવેશ થાય છે. અલ્ટ્રા મેગા પાવર પ્લાન્ટ માટે કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ હોલ્ડિંગ કંપની છે.
પાવર પ્લાન્ટના નવા ખરીદનાર એક રૂપિયામાં ઇક્વિટીનો ૫૧ ટકા હિસ્સો ખરીદી લે અને ફ્યુઅલ કોસ્ટની સંપૂર્ણ રિકવરી થાય એ ભાવે વીજળીની ખરીદી કરે. તાતા પાવર ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ કોન્ટ્રાક્ટ હેઠળ પાવર પ્લાન્ટ ઓપરેટ કરવાનું ચાલુ રાખશે. તેમજ ૪૯ ટકા સ્ટેક હોલ્ટર તરીકે પ્રોજેક્ટને બધો જ સપોર્ટ પૂરો પાડશે.
કુલ ખોટ રૂ. ૬૫૪૭ કરોડ
કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડની કુલ એકત્રિત ખોટ રૂ. ૬,૫૪૭ કરોડની થઈ છે. કંપનીની ઇક્વિટી મૂડી રૂ. ૬,૦૮૩ કરોડની છે. આ પ્રોજેક્ટ સ્થાપવાનો ખર્ચ રૂ. ૧૭,૯૦૦ કરોડ થયો છે. કંપનીની કુલ લોંગ ટર્મ લોન રૂ. ૧૦,૧૫૯ કરોડની છે. આ ઉપરાંત કેશની જરૂરિયાત પૂરી કરવા માટે તાતા પાવરે વધારાની રૂ. ૪,૪૬૦ કરોડની લોન લીધી છે.
તાતા પાવરે જણાવ્યું છે કે આ પ્લાન્ટ વાયેબલ નથી રહ્યો એટલે હવે બેન્કો અને નાણાં સંસ્થાઓએ વધુ ધિરાણ છૂટું કરવાનું બંધ કરી દીધું છે. કેશ લોસિસ અને રેટિંગ એજન્સીઓ દ્વારા ડાઉન ગ્રેડિંગને પગલે કંપની વધુ નાણાં ઊભા કરી શકવાની સ્થિતિમાં નથી. એપ્રિલ ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટ તાતા પાવર અને અદાણી પાવરને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો. આયાતી કોલસાના ભાવમાં ટેરિફમાં વધારો કરવા માટે રજૂઆત કરી હતી.