તાલાળા સહિત સમગ્ર ગીર પંથકમાં ૨૧મીની સાંજે ૩.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો ભયભીત બની ગયા હતાં. આંચકાની અસર ત્રણ સેકન્ડ રહી અને કોઈ નુકસાની થઈ ન હતી. તાલાળા સહિત ગીર પંથક અને માળિયા પંથકમાં ૨૧મીની સાંજે ૬.૩૦ વાગ્યે ૩.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો જેનું એપી સેન્ટર તાલાળાથી ૯ કિમી દૂર આવેલો હરિપુરનો જંગલ વિસ્તાર નોંધાયો હતો. ભૂસ્તર શાસ્ત્રીઓ પ્રમાણે ભૂકંપનું ઉદ્ભવન જમીનથી ૬ કિમી ઊંડુ હતું. આંચકો માત્ર ત્રણ સેકન્ડ જ રહ્યો હતો.
• લોભામણી સ્કિમથી રૂ. ચાર કરોડની છેતરપિંડીઃ ધારીના પ્રેમપરા રોડ પર આવેલી સંગમ ટ્રેડર્સના નામથી ચાલતી કંપનીના સંચાલકો રૂ. ચાર કરોડ જેટલી રકમ લઈ ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ પોલીસમાં ૨૬મીએ નોંધાઈ છે. થોડા દિવસ પહેલાં જ રાજ માર્કેટિંગ નામથી ચાલતી કંપનીના સંચાલકો રૂ. બે કરોડનું ફૂલેકું ફેરવી ફરાર થઈ ગયા હતા. ટૂંકા ગાળામાં જ ધારીમાં આ બીજો બનાવ બન્યો છે. આ કંપનીના સંચાલકોએ લોભામણી સ્કિમ ચલાવી હતી. જેમાં ઘરવખરીની ચીજવસ્તુઓના એડવાન્સ બુકિંગ કરી ગ્રાહકોને પંદર દિવસમાં માલ મળી જશે તેમ કહેવાયું હતું. શરૂઆતમાં આવો માલ આપીને લોકોનો વિશ્વાસ સંપાદન કર્યો હતો તેને કારણે લોકો વધુને વધુ સંખ્યામાં આકર્ષાયા હતા.
• સોમનાથના દરિયામાં ડૂબવાથી બાળકનું મૃત્યુઃ રાજકોટમાં રઘુવંશી સોસાયટીમાં રહેતા ટેલિફોન વિભાગના કર્મચારી મોહનભાઈ પટેલ તેમના પત્ની, પાંચ વર્ષના પૌત્ર પીયૂષ તેમજ આઠેક પાડોશીઓ સાથે ૨૪મી જુલાઈએ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ગયા હતા. એ પછી તમામ લોકો સોમનાથ ચોપાટીએ ગયા હતા. જયાં એક વિકરાળ મોજું આવ્યું તેમાં ચાર મહિલા તથા પાંચ વર્ષનો પીયૂષ દરિયાની અંદર ખેંચાઈ ગયા હતા. ચારેય મહિલાઓ તો દરિયામાંથી બહાર આવી શકી હતી. જ્યારે પીયૂષ દરિયાના મોજામાં ગરકાવ થઈ ગયો હતો. બાળકને શોધવા તરવૈયાઓ દરિયામાં ગયા હતા એ પછી ૨૫મીએ સવારે સાડા પાંચ વાગ્યા આસપાસ સોમનાથ ચોપાટી નજીક ત્રિવેણી સંગમ પાસે આવેલા મહાકાળી મંદિરની સામેના દરિયાકિનારે પીયૂષનો મૃતદેહ પેટ્રોલિંગ કરતા પોલીસકર્મીને ધ્યાને આવતાં તુરંત મૃતદેહનો કબજો લઈ તેના દાદા-દાદી સહિતના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
• આવાસ ધારકોના ત્રાસથી પ્યુનનો આપઘાત! જામનગરમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા વિજય પારીયા (ઉ. ૩૫) નામના કર્મચારીએ ૨૨મી જુલાઈએ સાંજે મહાનગરપાલિકા કચેરીમાં ફિનાઈલ પી લેતાં ચકચાર મચ્યો હતો. પાલિકા નિર્મિત આવાસોમાંથી ૧૭ આવાસ ધારકોએ આવાસો ગેરકાયદે ભાડે આપ્યા હતા આ પ્રકરણમાં વિજયભાઈની સંડોવણી નિમિત્ત બની હોવાનું જાણવા મળે છે.
• દામોદર કુંડની ડિઝાઇન બદલવાનો નિર્ણયઃ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા નાણામાંથી જૂનાગઢના પવિત્ર દામોદરકુંડના જિર્ણોદ્વારની કામગીરી કરાઈ છે અને તે પૂર્ણતાના આરે છે ત્યારે ડિઝાઈનનો વિરોધ ઉઠતા હવે મનપાના શાસકોએ ડિઝાઇન બદલવાનો નિર્ણય લીધો છે. હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે અત્યાર સુધી કરાયેલા ખર્ચની નુકસાનની જવાબદારી કોણ માથે લેશે?
• ગોરખીજડિયામાં કૃષિ કોલેજ બનશેઃ મોરબી નજીકના ગોરખીજડિયામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કૃષિ કોલેજ બનાવવા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી માગને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા કલેકટર દ્વારા કૃષિ કોલેજને ગોરખીજડિયામાં રૂ. ૩૦.૨૯ હેકટર જમીનની તાજેતરમાં ફાળવણી કરવામાં આવી હતી.
• મોરબી ગામના માર્ગો માટે રૂ. ૨૫.૫૦ કરોડઃ મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે. ત્યારે સક્રિય સભ્યોના પ્રયાસથી કોયલી, રામપર, પાડાબેકર, ફાટસર સહિતના ગામડાઓને લગતા માર્ગો બનાવવાના કામને મંજૂરી મળી છે. કુલ રૂ. ૨૫.૫૦ કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવશે.
• સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧.૬૫ લાખ ફ્રી વીજજોડાણોઃ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ફાળવવામાં આવતી ગ્રાન્ટમાંથી ઝૂંપડપટ્ટી વિસ્તારોમા રહેતા બીપીએલ વિસ્તારોમાં રહેતા બીપીએલ કે ગરીબ લાભાર્થીઓને વિનામૂલ્યે વીજપૂરવઠો મળી રહે તે માટે ઝૂપડાંઓને વીજળીકરણ યોજના હેઠળ આવરી લેવાઈ છે. છેલ્લા દસેક વર્ષ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝૂંપડપટ્ટીઓમાં નિઃશુલ્ક રૂ. ૧.૬૫ લાખથી વધુ વીજજોડાણો અપાયા છે.