તાલાળા (ગીર): પંથકની કેસર કેરીની જાહેર હરાજીનો રવિવારથી શુભારંભ થયો છે. પ્રથમ દિવસે તાલાળા યાર્ડમાં દશ કિલોગ્રામના ૧૫૦૨૫ બોક્સની આવક થઈ હતી અને ભાવ રૂ. ૨૫૦થી ૮૦૦ સુધીનો રહ્યો હતો. ગત વર્ષે પ્રથમ દિવસે ૧૪૦૯૦ બોક્સની આવક થઈ હતી અને આ વર્ષે પ્રથમ દિવસની આવકમાં વધારો થયો હતો. તાલાળા માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ દિવસે થયેલા વેચાણમાં સારામાં સારી કેસર કેરીના ૧૦ કિલોના એક બોક્સનો ભાવ રૂ. ૮૦૦ તથા નબળી કેરીના એક બોક્સનો ભાવ રૂ. ૨૫૦ સાથે સરેરાશ રૂ. ૪૨૫માં વેચાણ થયું હતું. જે ગત વર્ષ કરતાં ઊંચો ભાવ છે. પંથકમાં ગત વર્ષ કરતા કેસર કેરીનો પાક ઓછો થયો હોવાથી યાર્ડમાં કેસર કેરીના ભાવ ગત વર્ષ કરતા આ વર્ષે ઊંચા રહેવાનો અંદાજ છે.
યાર્ડ ઉપરાંત તાલાળા ગામ અને ગ્રામીણ વિસ્તારોમાં પણ કેસરનું વેચાણ શરૂ થયું છે. હોલસેલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે, પંથકના ગામોમાંથી દરરોજ ૩૦થી ૩૫ હજાર કેરીના બોક્સ અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, ગોંડલ, જામનગર, પોરબંદર, મુંબઇ સહિતના સેન્ટરોમાં વેચાણ માટે જઈ રહ્યા છે.
ફળોના રાજાની લંડનમાં પધરામણી
સોરઠી ધરતીની ખુશ્બુ ધરાવતી કેસરનું યુકેમાં પણ આગમન થઇ ગયું છે. લંડન ઉપરાંત લેસ્ટર, બર્મિંગહામ, માંચેસ્ટર અને યુકેના વિવિધ શહેરોના એશિયન એરિયામાં કેસર કેરીના ૧૦-૧૨ નંગના બોક્સ ૧૩થી ૧૫ પાઉન્ડમાં વેંચાઇ રહ્યા છે. હવે ટુંક સમયમાં કચ્છની કેસર કેરી પણ લંડન પહોંચશે.