રાજકોટ: ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી ત્યકતાને પીએસઆઇ બનાવી દેવાની લાલચ આપીને રૂ. બે લાખ જેવી રકમ પડાવી લેવા અને તેની પર દુષ્કર્મ આચરવા અંગે પકડાયેલા ચોટીલાના એઝાઝ નૂરમામદભાઇ ગઢવાળાના ૮મી ડિસેમ્બરે ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયાં હતાં. જામનગરની ત્યક્તાને એક માણસે ખોટું નામ ધારણ કરીને મકાન ભાડે અપાવી દેવાની વાત કરીને જાળમાં ફસાવી હતી. એ પછી ત્યક્તાને નોકરીની લાલચ આપીને તેની રવિરાજ સિંહ નામના માણસ સાથે મુલાકાત કરાવી હતી. તે માણસે ત્યક્તાને કહ્યું કે, રવિરાજ પીઆઇનો પુત્ર છે અને તે યુવતીને પીએસઆઇની પરીક્ષામાં પાસ કરાવી દેશે. ત્યક્તા યુવતી બંનેની જાળમાં ફસાઈ અને તેની પાસેથી રૂ. બે લાખ તેમજ ચાર મોબાઇલ ફોન પડાવી લેવાયા. એ પછી યુવતીને ચોટીલા બોલાવીને હોટલમાં તેની પર દુષ્કર્મ આચરીને તેના ફોટોગ્રાફ્સ - વીડિયો ઉતારીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને વારંવાર તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો.
પૈસા અને મોબાઇલ ફોન પડાવી લેનાર રવિરાજ સિંહ હકીકતે એઝાઝ નૂરમામદ ગઢવાળા હોવાની જાણ યુવતીને થતાં ચોટીલા પોલીસમાં તેણે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એઝાઝની ધરપકડ કરીને ત્યકતા યુવતી પાસેથી પડાવી લીધેલાં રૂ. બે લાખ અને ચાર મોબાઇલ કબજે કરવા સાથે એઝાઝને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા.