ભેંસાણ: મજૂરી કામ કરતા અને જીઆરડીમાં ફરજ બજાવતા દલિત યુવાન રસિકભાઇ દેવાભાઇ સોલંકીએ તેમની ત્રણ પુત્રીઓ અંજલિ (ઉ. વ. ૮), રીના (ઉ. વ. ૭) અને જલ્પા (ઉ. વ. ૩)ને કૂવામાં નાંખી દઈને પોતે પણ આપઘાત કરી લીધો હતો. ભેંસાણના ખંભાળિયા ગામે રહેતા અને ત્રણ પુત્રી, પત્ની સહિતના પરિવારજનોનું મજૂરીકામ અને જીઆરડીમાં ફરજ બજાવીને ગુજરાન ચલાવતા રસિકભાઇ દેવાભાઇ સોલંકીની પત્ની ફરી સગર્ભા બની હતી અને તે પ્રસૂતિ માટે પિયર ગઇ હતી.
૧૯મીએ રસિકભાઇ તેની ત્રણ પુત્રીઓ અંજલિ, રીના અને જલ્પાને જામફળ ખવડાવ્યા હતાં. બાદમાં ત્રણેયને પરબ દર્શન કરવા લઇને નીકળ્યો હતો. ગામની સીમમાં આવેલ લાલજીભાઇ શામજીભાઇ ભૂવાની વાડીએ પુત્રીઓ સાથે પહોંચ્યો હતો. ત્યાં રસિકભાઇએ ત્રણેય પુત્રીઓને ઠંડાપીણામાં જંતુનાશક દવા નાખીને પીવડાવ્યું હતું. બાદમાં ત્રણેય પુત્રીને એક પછી એક ઉપાડીને નજીકમાં આવેલા કૂવામાં નાખી દીધી હતી. બાદમાં તેણે પણ ગળાફાંસો ખાઇ લીધો હતો. આ બનાવની જાણ વાડીમાં કામ કરતાં એક મજૂરને થઇ હતી તેણે તેના માલિકને જાણ કરી હતી. એ પછી પોલીસને જાણ કરાઇ હતી.
કૂવામાંથી ત્રણેય બાળાના મૃતદેહ તરવૈયાઓએ બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે મોકલાયાં હતાં. આ વખતે ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થયાં હતાં. આ બનાવ પાછળ શક્ય છે કે પુત્રેષ્ણા કે આર્થિક ભીંસનું કારણ જવાબદાર હોઈ શકે છે.