ધોરાજીઃ ધોરાજીમાં જેતપુર રોડ પર સોના-ચાંદીના દાગીના પર ધિરાણ કરતી ખાનગી કંપની મુથુટ ફિન. કોર્પોરેશનમાં ઇન્ચાર્જ મેનેજર હિરેન અઘેરા, એક્ઝિક્યુટિવ પાયલ ઠકરાર, ઉર્મિલાબહેન કગથરા અને સફાઇ કામદાર દક્ષાબહેન ૨૮મી ડિસેમ્બરે સવારે ૧૦ કલાકે કંપનીની ઓફિસમાં હતા ત્યારે ત્રણ માણસો રિવોલ્વર અને છરી સાથે ઓફિસમાં ધસી આવ્યા હતા.
ત્રણેયે ધાકધમકીથી રૂ. ૯૦ લાખની કિંમતના દાગીનાના ૪૨૧ પેકેટ લૂંટી લીધા હતા. આરોપીઓ ધોરાજીથી હાઇ વે તરફ ભાગી ગયાનું સીસીટીવી કેમેરા પરથી સ્પષ્ટ થયું હતું. ત્રણેયને ઝડપી લેવા માટે હાઇ-વે પર નાકાબંધી કરવામાં આવી હતી. એ પછી ૨૮મી ડિસેમ્બરે જેતપુર તાલુકા પોલીસે બાતમીના આધારે વહેલી સવારે સુનીલ ભાસ્કર, અશોક પરમાર, રાજેશ ઉર્ફે ભૂરા પરબત બગડાને શાપર વેરાવળ પાસેથી જેકેટમાં છુપાવેલા સોના સાથે ઝડપી લીધા હતા. આરોપીઓની આકરી પૂછપરછમાં આ ઘટનાનો માસ્ટર માઇન્ડ અશ્વિન દિનેશ ચૌહાણ હોવાનું જણાવ્યું અને હથિયાર આપનાર તરીકે ચોટીલાના પ્રવીણ ગીગા વાળા અને લખમણ ચાવડાના નામ આપ્યા હતા.