રાજકોટઃ શહેરના બજરંગવાડી વિસ્તારમાં પુનિતનગર શેરી નં. ૪માં રહેતા ઈન્ડિયન ઓઈલ કોર્પો.ના કર્મચારી ભૂપતભાઈ વિઠ્ઠલભાઈ તેરૈયા (ઉ. વ. ૫૪) અને તેમના પત્ની ગુણંવતીબહેન (ઉ. વ. ૫૪)ની ખાખી વર્દીમાં જ છરીના ઘા ઝીંકી હત્યાના ગુનામાં છ વર્ષથી જેલમાં રહેલા સસ્પેન્ડેડ પોલીસમેન કમલેશ ઉર્ફે લાલો રમેશભાઈ મહેતા (ઉ. વ. ૪૧)ને કોર્ટે ગુનેગાર ઠેરવીને સાતમી જૂને ૨૫ વર્ષની કેદની સજા ફટકારી હતી. આરોપીને જેલમાં જ વીડિયો કોન્ફરન્સ મારફતે સજા સંભળાવાઈ હતી. વર્ષ ૨૦૧૪ના આ હત્યાકેસની વિગતો એવી છે કે, ભૂપતભાઈ પોતાના ફળિયામાં ખુરશી નાંખીને બેસતા હતા. રાજકોટ શહેર પોલીસમાં બી ડિવિઝન પોલીસમથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કમલેશ અને કમલેશની માતાને તે પસંદ નહોતું. ૭મી એપ્રિલ, ૨૦૧૪ના દિવસે કમલેશ ફરજ પર ગયો હતો એ વખતે તેની માતાએ તેને ફોન કર્યો કે પાડોશી ભૂપતભાઈ સાથે ઝઘડો થયો છે.
કમલેશ પોલીસમથકેથી આક્રોશ સાથે ઘરે ધસી ગયો અને ઘરમાંથી લાવેલી છરીથી ફળિયામાં બેઠેલા ભૂપતભાઈ પર તૂટી પડયો હતો. પતિને બચાવવા ગુણવંતીબહેન વચ્ચે પડતાં તેમને પડખાના ભાગમાં છરીનો જીવલેણ ઘા કર્યો હતો. કમલેશે ભૂપતભાઈના પુત્ર સુધીરને પણ શોધ્યો હતો, પણ તે હાથમાં નહીં આવતા બચી ગયો હતો. એ પછી સુધીરને પોલીસરક્ષણમાં લેવાયો હતો. આ ઘટનાને નજરે જોનારા ભૂપતભાઈના સાળા કિરીટભાઈ છગનભાઈ મંડિરે ગાંધીગ્રામ પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ચાલી જતાં ડબલ મર્ડરના ગુનાસર કમલેશને પચ્ચીસ વર્ષ કેદની સજા ફરમાવાઈ છે.