ખાંભા: દલખાણિયા રેન્જમાં અગાઉ ૨૩ સિંહના મોત પછી એક બાદ એક સિંહોના મોતનો સિલસિલો ચાલુ રહ્યો છે. દલખાણિયા રેન્જમાં બીજી જૂને એક પાંચ વર્ષના સિંહનું કુદરતી રીતે મોત થતાં એક માસમાં ત્રણ સિંહનાં મોત થયાનું નોંધાયું છે. બીજી જૂને કરમદડીબીટમાં ૫ વર્ષનાં સિંહનું કુદરતી મોત થયું હોવાનું વન વિભાગે જણાવ્યું હતું.
વન વિભાગે જણાવ્યું છે કે અગાઉ રામગઢ બીટમાં એક સિંહબાળનું ઇનફઇટમાં મોત નીપજ્યું હતું અને એ પછી હીરાવા બીટમાંથી એક સિંહબાળને રેસ્ક્યૂ કરીને સારવાર માટે લવાયો હતો. તેનું આંબરડી પાર્કમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એ પછી બીજીએ કરમદડી બીટમાં પનારા પવનચક્કી વિસ્તારમાંથી ૫ વર્ષનાં નર સિંહબાળનો મૃતદેહ વન વિભાગને મળી આવ્યો હતો. વન વિભાગે જણાવ્યું હતું કે, આ સિંહના મૃતદેહમાં કોઈ ઇજાના નિશાન જોવા મળ્યા નહોતા અને સિંહનું મોત કુદરતી રીતે થયું હોવાનું જણાઈ રહ્યું છે. જોકે તેના બ્લડ સેમ્પલ્સ અને અન્ય અંશો જૂનાગઢ લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલી અપાયા હોવાનું વન વિભાગે જણાવ્યું હતું.