રાજકોટઃ અત્યાચારનો ભોગ બનેલા દલિતોની મુલાકાતે મોટા સમઢિયાળા ગામે પહોંચેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તંત્રની નિષ્ક્રિયતા સામે આક્રોશ વ્યકત એવી લાગણી વ્યક્ત કરી હતી કે દલિતો પર અત્યાચારની આ ઘટનાને સમગ્ર દેશમાં લઇ જવાશે. ગુરુવારે રાહુલ ગાંધીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે પીડિતોને મળીને તેમના પર ગુજારાયેલા અત્યાચારની માહિતી મેળવી હતી. ઊના અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીડિતોને મળ્યા બાદ કેન્દ્ર અને ગુજરાત સરકાર પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે, 'મૈં પીડિત પરિવારો સે મિલા. ઉનકા યે કહેના હૈ કે હમેં કોઈ રાસ્તા દિખાઈ નહીં દેતા કહાં જાયે, હમેં યહાં રોજ પીટા જાતા હૈ, મારા જાતા હૈ. મોડલ કી બાતેં હોતી હૈ પર કોઈ હક્ક, ન્યાય કે લિયે આવાજ ઉઠાએ યા કોઈ બડે કોર્પોરેટર ગ્રૂપ કે સાથ લડેં તો દબાયા - કુચલ દિયા જાતા હૈ. દલિત અત્યાચાર કી યે લડાઈ દેશભરમેં લે જાયેંગે'
કોંગ્રેસ પક્ષ દ્વારા પીડિત દલિતો માટે પાંચ-પાંચ લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી હતી. રાહુલ પીડિતોના ઘરે પણ ગયા હતા અને તેમને રૂબરૂ મળીને જાણકારી મેળવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાત મેં કમજોર લોગો, સમાજ, જિન કે પાસે પૈસે નહીં, ઉસકો દબાયા જાતા હૈ. એક તરફ નેહરુ, ગાંધીજી ઔર આંબેડકરજી કી નીતિ હૈ તો સામને આરએસએસ, ગોલવલકર ઔર મોદીજી કી વિચારધારા હૈ. મોદી મોડલ કી બાત કરતે હૈ લેકિન સ્થિતિ કુછ અલગ હૈ. હૈદરાબાદ સે ગુજરાત તક હક્ક કે લિયે અવાજ ઉઠાઓ તો કુચલા જાતા હૈ. ગભરાના નહીં... કોંગ્રેસ ઔર ગુજરાત કી જનતા આપ લોગો કે સાથ હૈ.
બર્બરતા અંગ્રેજ શાસકોની યાદ અપાવે છે
રાહુલ ગાંધીના સંબોધન પૂર્વે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું કે ગાંધી, સરદારના ગુજરાતમાં તાજેતરમાં ઊનામાં દલિતો પર ગુજારાયેલી બર્બરતા અંગ્રેજોના જમાનાની યાદ અપાવે છે. ઉનાની ઘટના પૂર્વયોજિત હતી. બાજુના ગામમાંથી મૃત ગાયને લઈ જવા માટેનો ફોન આવે, દલિત પરિવાર ગાય લઈ આવીને ચર્મ અલગ કરવાનું કામ કરતાં હતા ત્યારે ધસી આવેલા શખ્સો બર્બરતા આચરે છે એ ઈસમો શિવ સેના ઉપરાંત ભાજપના સમર્થકો છે. હાઈ કોર્ટના જજ મારફતે ઊંડી તપાસ થાય તો દૂધનું દૂધને પાણીનું પાણી ખુલ્લું પડે.
ઊનાની ઘટના કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિનું પરિણામ
સંદેશ, રાજકોટ, તા. ૨૧જુલાઈઃ
કાયદો-વ્યવસ્થાની સ્થિત કથળી છેઃ એનસીપી
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) નેતા પ્રફુલ પટેલ પણ રાહુલ ગાંધીના આગમનની થોડી મિનીટો પહેલા જ આશ્વાસન આપવા મોટા સમઢિયાળા પહોંચી ગયા હતા. તેમણે પીડિત દલિત પરિવારને રૂપિયા બે લાખની સહાય જાહેર કરી સરકાર અને નેતાગીરી પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના નેતાઓની માનસિકતાનું પરિણામ છે. દલિત પરિવાર દુઃખી છે, ડરેલા છે, આજે તેમને સાંત્વના આપવા સમૂહ છે, પરંતુ પછીથી તેઓએ એકલા જ સ્થિતિનો સામનો કરવો પડશે. ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા કથળી હોવાનું આ ઉદાહરણ છે. સામાજિક ભેદભાવનું આ સ્વરૂપ છે.