કોટડાસાંગાણી: રાજકોટનાં શાપર-વેરાવળમાં કચરો વીણતા દલિત યુવક મુકેશભાઈ સવજીભાઈ વાણિયાને ઢોરમાર મારતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન મુકેશભાઈનું મૃત્યુ થયું હતું. જેનાથી રાજ્યભરમાં ફરી દલિતોમાં રોષની લાગણી ફેલાઈ છે. આ ઘટનાને લઇને રાજકારણ ગરમાયું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મૃતકનાં પરિવારને રૂ. ૮.૨૫ લાખની સહાયની જાહેરાત કરાઈ છે.
શાપર-વેરાવળમાં શીતળા મંદિર પાસે મારુતિપાર્કમાં રહેતા અને મૂળ લીંબડીના પરનાળા ગામના મુકેશભાઈ વાણિયા તેની પત્ની જયાબહેન અને અન્ય મહિલા સવિતાબહેન શીતળા મંદિર પાછળના વિસ્તારમાં આવેલી રાદડિયા ઈન્ડસ્ટ્રીઝ પાસે ભંગાર વીણવા ગયા હતા. તે સમયે ઇન્ડસ્ટ્રીઝના માલિક, કર્મચારીઓએ મુકેશભાઈ, જયાબહેન અને સવિતાબહેન પર ચોરીનું આળ મૂકીને કારખાનામાં લઈ જઈને ત્રણેયને માર મારવાનું શરૂ કર્યું હતું.
મુકેશભાઈ બેભાન થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા, પણ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં દલિત સમાજના આગેવાનો ઉમટી પડ્યા હતા અને આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દેવાયો હતો.
પોલીસે રાદડિયા ઈન્ડ.ના માલિક જયસુખ રાદડિયા, તેમના સાળા સિરાજ અને દિવ્યેશ વોરા તેમજ ત્યાં નોકરી કરતા તેજસ કનુભાઈ અને ઘટના વખતે ફેક્ટરી સામેના પાનના ગલ્લેથી આવીને આ ચારેયની મદદ કરનારા એક સગીરની ધરપકડ કરી છે.
પોલીસે જણાવ્યું છે કે, આ કેસમાં એટ્રોસિટી એક્ટ હેઠળ અને ભારતીય દંડ સહિતાની કલમ ૩૦૨ હેઠળ ગુનો નોંધાયો છે અને જવાબદારો વિરુદ્ધ કડક પગલાં ભરાશે.
કોંગ્રેસના ધરણા
કોંગ્રેસે આ ઘટના અંગે ચીમકી આપી હતી કે તે રાજ્યવ્યાપી ધરણા શરૂ કરશે તેમજ રાજીવ સાતવ અને અમિત ચાવડા પીડિત પરિવારની આપવીતી સાંભળશે.
પરિવારને આર્થિક સહાય
ગાંધીનગરમાં સામાજિક ન્યાય અધિકારીતા પ્રધાન ઇશ્વર પરમાર અને ગૃહ રાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ૨૧મીએ જણાવ્યું હતું કે, મૃતક મુકેશભાઇ સવજીભાઇ વાણિયાના પરિવારજનોને તાત્કાલિક રૂ. ૮.૨૫ લાખની સહાય મંજૂર કરાઈ છે.