રાજકોટ: ધારીના માલસિકા ગામે મંગળુભાઈ માયાભાઈ વાળાની વાડીએ દાદા-દાદી સાથે રહેતી જાનુ જયદીપભાઈ વાઘેલા (ઉ.વ.૪) ૩૧મી મેએ રાત્રે વાડીમાં નાસ્તો કરતી હતી. આ સમયે જાનુના દાદા-દાદી સહિતના પરિવારજનો પણ ત્યાં હાજર જ હતા. જોકે નાસ્તો કરી રહેલી જાનુ પર ક્યારની નજર રાખીને બેઠેલા દીપડાએ વાડીની દીવાલ કુદીને તેના પર હુમલો કર્યો.
દીપડાએ જાનુને જડબાથી પકડી લીધી હતી. આ સમયે જાનુના દાદીમા વિમલાબહેનનું ધ્યાન જતાં તે જાનુ તરફ દોડ્યા અને તેને દીપડા પાસેથી ખેંચીને બૂમાબૂમ કરી મૂકી હતી. ઘવાયેલી જાનુને સારવાર અર્થે ધારી પછી રાજકોટ ખસેડાઈ હતી.
જાનુ માટે જાન દઈ દેતઃ વિમળાબહેન
વિમળાબહેન કહે છે કે, જાનુ એક વર્ષની હતી ત્યારથી જ અમારી સાથે રહે છે. અમે વાડીમાં હતા ત્યારે દીપડો પાછળથી આવીને જાનુ પર ત્રાટક્યો હતો. જાનુ દીપડાના મોંઢામાં હતી છતાં મેં તેને પકડીને ખેંચીને બૂમાબૂમ કરી હતી. જેથી દીપડો જાનુને છોડીને બાજુના મકાનમાં ભાગી ગયો. વિમળાબહેને ભાવુક થઈને કહ્યું કે, જાનુ માટે મારી જાન પણ જતી રહી હોત તોય મને ચિંતા ન હતી.