દ્વારકાઃ ઓખા-બેટદ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યા બાદ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરિયામાં ડૂબકી મારીને પેટાળમાં ડૂબેલી પ્રાચીન દ્વારિકાનગરીના દર્શન કર્યા હતા. કેસરી રંગના કુર્તા-કોટીમાં સજ્જ 73 વર્ષના વડાપ્રધાન જુવાનિયાઓને શરમાવે તેવી સ્ફૂર્તિ સાથે - ઇંડિયન નેવીના જવાનો સંગાથે - દરિયાના પાણીમાં ઉતર્યા હતા અને સાથે લઇ ગયેલા મોરપંખ કૃષ્ણનગરીને અર્પણ કરીને થોડી ક્ષણો ધ્યાન પણ ધર્યું હતું.
ઉલ્લેખનીય છે કે પુરાતન દ્વારિકાનગરીના અવશેષો આજે પણ દરિયાના પેટાળમાં સમાયેલા છે. એક સમયે રામસેતુની જેમ પુરાતન દ્વારિકા નગરીના અસ્તિત્વ સામે પણ આશંકા સેવાતી હતી, પરંતુ ગોવાસ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓશનોગ્રાફી, દરિયાઇ પુરાતત્વ વિભાગ, ભારતીય પુરાતત્વ વિભાગ વગેરેના નિષ્ણાતોએ વર્ષોસુધી દરિયાના પેટાળમાં ખાંખાખોળા કરીને પ્રાચીન દ્વારિકાના અવશેષો શોધી કાઢ્યા છે. આ ઉપરાંત બે વર્ષ પૂર્વે અમેરિકી અવકાશ સંસ્થાન ‘નાસા’એ પણ દરિયામાં સમાયેલી કૃષ્ણનગરીના અવશેષોના ફૂટેજ રિલીઝ કર્યા હતા. આ તમામ અવશેષો દ્વારકાની ધરતી પર 9000 વર્ષ પૂર્વે માનવજીવન ધબકતું હોવાનું પુરવાર કરે છે. (વિશેષ અહેવાલ વાંચોઃ પાન - 11, 15, 16, 17)