મૂળી: તાલુકાનાં ટીકર (૫૨) ગામે દીકરીઓની અને વૃક્ષોની સંખ્યા વધે તેના માટે એક અનોખી જાહેરાત થઈ હતી. ટીકરમાં છેલ્લા નોરતે સરપંચ દ્વારા સરકારની લક્ષ્મીજીનાં વધામણાં યોજના જાહેર કરાઈ હતી. એ પછી દીકરી અને વૃક્ષ ઉછેરવાના સંકલ્પને ગ્રામજનોએ વધાવી લીધો હતો. ટીકરમાં જે ઘરે દીકરીનો જન્મ થાય લક્ષ્મીજીના વધામણા યોજના થકી ત્યાં રૂ. ૧૧૦૦ રોકડા તેમજ તેનાં નામે ઓછામાં ઓછું એક વૃક્ષ ઉછેરવાના સંકલ્પની જાહેરાત થઈ હતી. સમગ્ર રાજયમાં સ્ત્રી પુરુષ રેશિયોમાં ખૂબ તફાવત જોવા મળે છે. આથી સરકાર દ્રારા વ્હાલી દીકરી યોજના સુકન્યા યોજના સહિતની યોજનાઓ અમલમાં આવી છે. ટીકર (૫૨) ગામનાં યુવાન સરપંચ દેવેન્દ્રસિંહ લગધીરસિંહ પરમારે ગામમાં જ્યારે આ યોજનાની જાહેરાત કરી તો સમગ્ર ગામે તેમને હર્ષોલ્લાસથી વધાવી લીધા હતા.