અમરેલીઃ બગસરામાં માનવભક્ષી દીપડાએ સાત દિવસમાં ત્રણ જણને ખેંચી જતાં બેનાં મૃત્યુ થયાં અને એક મહિલાને ઈજાગ્રસ્ત કરતાં આ વિસ્તારમાં ભય ફેલાયો છે. દીપડાને પકડવા માટે વન વિભાગ અને પોલીસના ૨૦૦ કર્મચારીઓ કામે લાગ્યા હતા તેમજ ૭ શાર્પશૂટરો પણ તૈનાત કરી દેવાયા હતા. વન વિભાગ સાપરમાં દીપડાને શોધતું રહ્યું અને કાગદડીના સરપંચ વિનુભાઇ કાનાણીની વાડીમાંથી મંગળવારે રાત્રે ૩ વાગ્યે દીપડી પકડાઈ હતી. આ અંગે વન વિભાગે જણાવ્યું કે દીપડી તો પાંજરે પુરાઈ, પણ દીપડો પકડવાનો હજી બાકી છે. આ દીપડી માનવભક્ષી છે કે નહીં તે તપાસ બાદ જ ખબર પડશે.
સાત દિવસમાં ત્રણને ઈજા બેનાં મોત
મોટા મુંજિયાસર ગામમાં એક ખેડૂતને ઢસડીને દીપડાએ ફાડી ખાધો હતો. આ ખેડૂતનો મૃતદેહ હજી સ્વીકારવામાં નહોતો આવ્યો ત્યાં બગસરાથી ત્રણ કિમી દૂર ઝાંઝરિયા રોડ પર ૭મી ડિસેમ્બરે દીપડાએ એક પરપ્રાંતીય ખેડૂતને ફાડી ખાધો હતો. સુમનભાઈ નાથાભાઈ હારાણી પરિવાર સાથે ઝાંઝરિયા રોડ પર રહીને ભાગમાં રાખેલા ખેતરમાં ખેતી કરે છે. ૭મીએ સુમનભાઈના ખેતરમાં સાત મજૂરો સૂતા હતા એકાએક રાત્રે દીપડો ત્રાટક્યો અને સાતમાંથી છગનભાઈ બરજોડ (ઉ. ૪૫) નામના પરપ્રાંતીય મજૂરના ગળે તરાપ મારી પકડી લીધા હતા. છગનભાઈએ દેકારો કરતાં અન્ય મજૂરો ઊઠી ગયા અને દીપડો છગનાઈને છોડીને ભાગી ગયો હતો. છગનભાઈને હોસ્પિટલે લઈ જવાય તે પહેલાં જ તેમનું મૃત્યું થયું હતું. આ ઘટના પછી વન વિભાગનો સ્ટાફ બનાવ સ્થળે પહોંચતાં ખેડૂતોએ દીપડાને પકડવા આક્રોશ સાથે રજૂઆત કરી અને ખેડૂતો કલેકટર કચેરીએ પણ ધસી ગયા હતા.
દીપડાને મારવા એક્શન પ્લાન
એ પછી દીપડાને ઠાર મારવાનો એક્શન પ્લાન અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો હતો. બીજી તરફ દીપડાને ઠાર મારવાની ખાતરી મળતાં મોટા મુંજિયાસરમાં મૃત ખેડૂતનો પણ મૃતદેહ સ્વીકારાયો હતો. એક તરફ દીપડાને ઠાર મારવા ત્રણ સીસીએફ અને સાત જેટલા ઉચ્ચ અધિકારીઓના નેજામાં ખાસ શાર્પશૂટરોની ટીમ તૈયાર કરાઈ છે. બગસરા આસપાસ ૧૬ જેટલા સીસીટીવી મુકાયા છે ત્યારે ૮મી ડિસેમ્બરે દીપડાએ એક ખેડૂત મહિલા પર હુમલો કર્યો હતો. લુંધિયા ગામનાં દયાબહેન ઉકાભાઇ માલવી (ઉં. ૪૫) નામનાં ખેડૂત મહિલા ઉપર દીપડાએ હુમલો કરી મોઢાના અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા બગસરા અને ત્યારબાદ અમરેલી સારવારમાં ખસેડાયા હતા. મુખ્ય પ્રધાનની કડક સૂચનાઓ અને જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા દીપડાને દેખો ત્યાં ઠાર કરવાનો ઓર્ડર હોવા છતાં લુંધિયામાં રાત્રે ૧૧ વાગ્યા આસપાસ ઓસરીમાં સૂતેલી ખેડૂત મહિલા પર દીપડાએ હુમલો કરતાં લોકોમાં વન વિભાગ પ્રત્યે નારાજગી ફેલાઈ છે.
તો અમે ઠાર મારીશુંઃ ધારાસભ્ય
આ મામલે કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ જણાવ્યું હતું કે, અમારા પાંચ તાલુકામાં ૧૭ લોકોને માનવભક્ષી દીપડાએ ફાડી ખાધાં છે અને ૬૭ લોકોને ઘાયલ કર્યાં છે. જંગલ વિભાગ દીપડાને કેમ ઠાર નથી કરતું? લોકોની રક્ષા કરવી અમારી ફરજ છે. આજે ખેડૂત આગેવાન તરીકે હથિયાર લઈને નીકળ્યો છું. જંગલ ખાતું દીપડાને ન પકડી શકે તો અમે ઠાર મારવા સક્ષમ છીએ.