કોડીનાર: ઈરાનના જહાજે દીવ દરિયા નજીક પ્રતિબંધિત સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરતા કોસ્ટગાર્ડે આઠમી જૂને આ સેટેલાઇટ કોલને આંતરી તેનું લોકેશન મેળવી દીવના દરિયા નજીકથી બે શંકાસ્પદ વિદેશી ઈરાની જહાજોને દરિયાની વચ્ચે આંતરી લીધા હતા. બંને જહાજોને કોડીનારના મૂળ દ્વારકા બંદરે અંબુજા સિમેન્ટની જેટી ઉપર લવાયા હતા. આ રાષ્ટ્રીય સલામતીનો મુદ્દો હોવાથી કોસ્ટગાર્ડે વિવિધ સુરક્ષા એજન્સીઓને આ અંગે જાણ કરતા આઈબી, ઇન્ડિયન નેવી, એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ, જામનગર પોલીસ સહિતની ટીમે કોડીનારમાં આ શંકાસ્પદ જહાજોની તપાસ હાથ ધરી હતી.
સીસેલ નામનું જહાજ ઈરાનનું હોવાનું અને તેનું રજિસ્ટ્રેશન ઇન્ડોનેશિયા નજીકના એક ટાપુનું હોવાનું જાણવા મળ્યું હતું. આ જહાજ ઇન્ડોનેશિયાથી બે ટગ (જહાજ ખેંચવાના નાના વહાણ )ને કુવૈત પહોંચાડવાનું હોવાથી બંને ટગને દોરડાથી બાંધી કુવૈત જઈ રહ્યું હતું. રસ્તામાં ડીઝલ ખૂટી જવા જેવી અનેક મુશ્કેલીઓનો જહાજ સામનો કરી રહ્યું હતું એવામાં જહાજ દીવ નજીક પહોંચતાં એક ટગનું દોરડું તૂટી ગયું અને તે ટગે દીવના દરિયામાં જળસમાધિ લીધી હતી.
બીજી તરફ જહાજમાં ડીઝલનો જથ્થો પૂરો થઈ ગયો હતો. જેથી જહાજે કેટલોક સમય દીવ નજીક દરિયામાં જ વિતાવ્યો હતો. આ બધા વચ્ચે સેટેલાઈટ ફોનના ઉપયોગથી જહાજ અંગે શંકા થઈ હતી.
આ શંકાસ્પદ ઈરાની જહાજમાં પાંચ ભારતીય અને ઈરાનના ૯ મળી કુલ ૧૪ ક્રૂ મેમ્બરો સવાર હતા. તેમજ જહાજમાંથી સફેદ પાવડર જેવું કઈક વાંધાજનક મળી આવ્યું હોવાથી તેનું લેબોરેટરીમાં પરીક્ષણ કરવાની કામગીરી જહાજમાં જ શરૂ કરવામાં આવી હતી.
સાથોસાથ તમામ ૧૪ ક્રૂ મેમ્બરોની વિવિધ એજન્સીઓ દ્વારા સધન પૂછપરછ કરાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.
દરિયાઈ સુરક્ષાદળ એલર્ટ
દરિયામાં જળસમાધિ લીધેલા એક ટગની તપાસ ઇન્ડિયન એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે. અગાઉ પોરબંદરના દરિયામાંથી બે વખત ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ પહેલાં રૂ. ૧૫૦૦ કરોડ અને બાદમાં રૂ. ૬૦૦ કરોડની આસપાસનો ડ્રગ્સનો જથ્થો સૌરાષ્ટ્રના સાગરમાંથી મળી આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે દીવ-કોડીનાર વચ્ચેથી ઝડપી લેવાયેલા બે ઈરાની જહાજમાંથી પણ સફેદ પાઉડરનો જથ્થો મળ્યો હતો. જોકે આ જથ્થો ડિટરજન્ટ પાઉડરનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.