દુનિયામાં કોઈનું દિલ દુભાય તે પહેલાં હું સમાધિ લેવાનું પસંદ કરીશ: મોરારિબાપુ

Wednesday 10th June 2020 06:37 EDT
 
 

તલગાજરડાઃ કથાકાર મોરારિબાપુએ એક કથા દરમિયાન કૃષ્ણવંશીઓને દારૂડિયા અને છેડતી કરનાર, રાધાને પણ મહેણા મારતી નારી અને હળધારી બલરામને પણ દારૂડિયા લંપટ તરીકે દર્શાવતી વીડિયો ક્લિપ વાઈરલ થયા પછી દ્વારકા કાન્હા વિચાર મંચ દ્વારા મોરારિબાપુનો વિરોધ કરાયો થયો હતો. એ પછી તલગાજરડામાં ચિત્રકૂટ ધામ ખાતે રામકથાના દ્વિતીય દિવસે રવિવારે મોરારિબાપુએ જણાવ્યું હતું કે, પૂર્વના મારા કોઈ નિવેદનથી ક્યારેય કોઈના હૃદયને ઠેસ પહોંચી હોય તો હું ક્ષમાપ્રાર્થી છું અને એ જ વાતનો હું પુનરોચ્ચાર કરું છું. હું તો દરેક પરિસ્થિતિને પ્રભુનો કૃપાપ્રસાદ સમજું છું. મારા ફોલોઅર્સ પણ દુઃખી અને ગદ્ગદ્ છે. હું એવું કદી નથી ઈચ્છતો કે મારા કારણે સમાજમાં વિવાદ થાય કેમ કે હું તો સંવાદનો માણસ છું. તમે મને પોતાનો સમજો કે ન સમજો, એનો નિર્ણય તમારે કરવાનો છે, પરંતુ હું તો તમને સૌને પોતાના સમજું છું. સમગ્ર વિશ્વ મારો પરિવાર છે. મારે માટે કોઈ પારકું નથી. આ દુનિયામાં કોઈનું દિલ દુભાય તે પહેલાં હું સમાધિ લેવાનું પસંદ કરીશ.
 કૃષ્ણ તો મારા ઈષ્ટદેવ
મોરારિબાપુએ જણાવ્યું હતું કે, કૃષ્ણ તો મારા ઈષ્ટદેવ છે. પૂર્ણપુરુષોત્તમ, પરાત્પર બ્રહ્મ. અમે તો નિમ્બાર્કી પરંપરાના છીએ. પૂર્વ જગદ્ગુરુ અને વર્તમાન યુવા જગદ્ગુરુ પણ મને એટલો જ સ્નેહાદર આપે છે. હું તો કૃષ્ણ પરંપરાનો સાધુ છું. અમારા ઈષ્ટ શ્રીકૃષ્ણ છે. અમારી કૂળદેવી રૂકમણિ છે. અમારું ધામ મથુરા છે. મથુરા તો ક્યારે જાઉં? માટે અમારું ધામ દ્વારકા છે. અમારો ઘાટ વિશ્રામ ઘાટ છે. અમારી ધર્મશાળા મથુરા છે. અમારી પરિક્રમા ગિરિરાજજી છે.
અમારી ગાયત્રી-ગોપાલ ગાયત્રી છે. અમારો વેદ સામવેદ છે. અમારું ગોત્ર અચ્યુત ગોત્ર છે. અમારો આહાર હરિનામ આહાર છે. હું શાસ્ત્રાર્થ કે વાદવિવાદ માટે નથી. મારા જવાબથી કોઈનું દિલ દુભાય તેવું મારે કંઈ જ કરવું નથી. માટે મારે કોઈ ખુલાસો કરવો નથી. મેં તો મારા પ્રાણેશ્વર ભગવાન શ્રીકૃષ્ણની વેદના વ્યક્ત કરી છે. હા, કેટલાંક વિચારકો, શાસ્ત્રોમાંથી જે સાંભળ્યું તેની પ્રસ્તુતિ મારી હતી. તે અંગે હું મારી જવાબદારી સ્વીકારું છું.




to the free, weekly Gujarat Samachar email newsletter