સુરતઃ હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દેશના 750 વીર શહીદ જવાનોના ઘરે સોલાર પેનલ સ્થાપવા નિર્ણય લેવાયો છે. ગોવિંદભાઈના રામકૃષ્ણ એક્સપોર્ટના SRK નોલેજ ફાઉન્ડેશન આયોજિત સ્વતંત્ર દિનની ઉજવણીના સમારોહ ‘રાષ્ટ્ર કી રોશની’માં આ જાહેરાત કરાઇ છે. આ પ્રસંગે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) કમાન્ડન્ટ ચેતનકુમાર ચિત્તાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું.
ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે આપણા વીર જવાનો આપણા માટે કેટલું બધું કરી છુટ્યાં છે. જેઓ દેશ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરે છે. આપણે આપણા દેશના વિકાસ અને વૃદ્ધિમાં હંમેશા યોગદાન આપવા માટે તેમનામાંથી પ્રેરણા લેવી જોઇએ. ભારતના એક જવાબદાર નાગરિક તરીકે SRK પરિવાર હંમેશા એ વિચારતો આવ્યો છે કે, આપણે આપણા વીર જવાનો માટે આપણે શું કરી શકીએ, જેથી તેમને આજીવન લાભ મળતો રહે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે 750 વીર શહીદ જવાનોના ઘરે વીજળી પૂરી પાડવા માટે 1500 કિલો મેગાવોટની રુફટોપ સોલાર સિસ્ટમ ફિટ કરવાથી વીર જવાનોના ઘરને દર માસે અંદાજે 2,000 રૂપિયા સુધીની બચત થશે.
સમાજ કલ્યાણ ક્ષેત્રે 6 દસકા
ગોવિંદભાઈ ધોળકિયા અને SRK નોલેજ ફાઉન્ડેશન દ્વારા છ દાયકાથી સમાજ કલ્યાણના વિવિધ કાર્યો થઈ રહ્યા છે. માર્ચ 2022 માં ગોવિંદભાઈના વતન અમરેલી જિલ્લાના દુધાળા ગામે તમામ ઘરો પર સોલર પેનલ સ્થાપિત કરીને ગામને ગ્રીન વિલેજ બનાવાયું છે. સમગ્ર ગામને WiFi વડે કનેક્ટ કરાયું છે. ગોવિંદભાઈના નેતૃત્વમાં ચાલતા ત્રણ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ૩૦ લાખથી વધુ લોકોને શૈક્ષણિક શિષ્યવૃત્તિ અને તબીબી જરૂરિયાતો તથા અન્ય મુશ્કેલીના સમયે આર્થિક સહાય પણ અપાઇ છે. 28 વર્ષથી તેઓ દર વર્ષે ડાંગના અંતરિયાળ ગામમાં 150થી વધારે ડોક્ટર્સની ટીમના સહયોગમાં મેડિકલ કેમ્પ યોજાય છે.