જામનગર: ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના તાજેતરના અહેવાલો પ્રમાણે આખા દેશમાં ચેરના વૃક્ષો સૌથી વધુ જામનગર જિલ્લામાં વધ્યા છે. સમગ્ર દેશમાં ચેર વન વિસ્તારમાં કુલ ૫૪ ચો.મી.નો વધારો થયો છે. જામનગર જિલ્લામાં ચેરના વન વિસ્તારમાં ૪૫.૫૦ ચોરસ કિ.મીનો વધારો નોંધાયો છે. પશ્ચિમ બંગાળ બાદ ચેરના વનોમાં ગુજરાત બીજા ક્રમે છે.
૧૨ રાજયમાં ચેરનાં વન
દહેરાદૂનમાં કાર્યરત ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા વિભાગ દ્વારા દર બે વર્ષે સમગ્ર ભારતમાં વનોનાં ફેરફાર, વર્ગીકરણ અને પરિસ્થિતિના અભ્યાસ સાથે સર્વે કરીને અહેવાલ પ્રસિદ્ધ કરાય છે. વર્ષ-૨૦૧૭માં સર્વે બાદ ડિસેમ્બર-૨૦૧૯માં દેશભરમાં ચેરના વનનો સર્વે કરીને અહેવાલ પ્રસિદ્ધ કરાયો છે. આ અભ્યાસ પ્રમાણે સમગ્ર દેશમાં ચેરના વન વિસ્તારમાં કુલ ૫૪ કિ.મી.નો વધારો નોંધાયો છે. ભારતના ૧૨ રાજય અને કેન્દ્રશાષિત પ્રદેશોમાં ચેરના વન આવેલા છે. ભારતના કુલ ચેર વન વિસ્તારના અંદાજિત ચોથા ભાગનો વિસ્તાર ગુજરાતમાં છે.