રાજકોટઃ જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયાએ ૧૦ ગીર ગાયની અભ્યાસ યાત્રા યોજીને સૌરાષ્ટ્રના ૪૦૦ ગામોના લોકોને ગૌવંશ પાલનની બે વર્ષમાં તાલીમ આપી છે. ગીર ગાય ક્રાંતિના અભ્યાસમાં ગાય આધારિત કૃષિનો અભિગમ અપનાવાયો છે. જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા જામકા, આદિવાસી ગામ ભેખડિયા, જામલી (મધ્ય પ્રદેશ) અને ૨૦ ગામોના ખેડૂતોએ કચ્છ યાત્રા કરી છે. ગુણીતીતપુરના ૧૦૦ એકરના દેશી ગાય આધારિત કૃષિના પ્રત્યક્ષ ઉદાહરણ માટે ફાર્મની મુલાકાત પણ ખેડૂતો અને પશુપાલકોએ તાજેતરમાં લીધી હતી. એક સમયે રૂ. ૩૦થી ૪૦ લાખના રાસાયણિક ખાતરો અને જંતુનાશકના વપરાશ પછી પણ ખેતીમાં ઉત્પાદન અને નફો ઘટતા જતાં હતા ત્યારે છેલ્લાં ચારેક વર્ષથી ૨૫ દેશી ગાયો પાળીને ગાય આધારિત કૃષિ અપનાવાતા ઉત્પાદન ૨૦થી ૩૦ ટકા વધ્યું છે અને નફો બમણો થયો છે.
ખંભરા ગામના દીપકભાઈ પટેલ અને નાની નાગલપરના મેઘજીભાઈ હીરાણી અને ધનસુખભાઈ હીરાણીએ મનસુખભાઈની પ્રેરણાથી ૧૦૦-૧૦૦ કાંકરેજ ગાયોની ગૌશાળા કરી છે. પ્રાકૃતિક સાચવણીમાં કાંકરેજ ગાયો વિયાણ પછી દૈનિક ૧૫થી ૨૪ લીટર દૂધ તો આપે જ છે. સાથે ખેતીલાયક વિષયોમાં ગાયના ગોબરનો ઉપયોગ પણ ફાયદાકારક રહે છે.
વળી આ ગાયોમાં આંચળના રોગો, ગર્ભાશયના રોગો સાવ અલ્પ છે.