જૂનાગઢઃ કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલી રાજયકક્ષાની માસ્ટર એથલેટિકસ સ્પર્ધામાં ૭૮ વર્ષીય ભાનુમતિબહેન પટેલે ૧૫૦૦ મીટર તથા પાંચ કિ.મી. દોડ સ્પર્ધામાં તથા ૫ કિ.મી. ઝડપી ચાલમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કરી ત્રણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યાં હતાં. અત્યાર સુધીમાં તેઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ ૩૮ મોડલ પ્રાપ્ત કર્યાં છે. જૂનાગઢ કૃષિ યુનિ.ના ગ્રાઉન્ડમાં છઠ્ઠી તથા સાતમીએ રાજયકક્ષાની માસ્ટર એથલેટિકસ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જૂનાગઢના ૭૮ વર્ષના ભાનુમતીબેન પટેલે ૭૫ વર્ષથી વધુ વયની કેટેગરીમાં ૧૫૦૦ મીટર દોડ, પાંચ કિ.મી. દોડ તથા પાંચ કિ.મી. ઝડપી ચાલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અને આ ત્રણેય સ્પર્ધામાં તેઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા હતાં.
રાજયકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર ભાનુમતિબહેન આગામી સમયમાં બેંગ્લોરમાં યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. ભાનુમતિબહેને ઓકટોબર, ૨૦૧૭માં ચીનમાં યોજાયેલી સ્પર્ધામાં ભાગ લઈ સિલ્વર મેડલ મેળવ્યો હતો. અત્યાર સુધીમાં તેઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ કુલ ૩૮ મેડલ પ્રાપ્ત કર્યાં છે.