જૂનાગઢઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં મેડિકલ કોલેજ સહિત રૂ. ૫૦૦ કરોડના ૯ પ્રકલ્પોના લોકાર્પણ શિલાન્યાસ પ્રસંગે ૨૩મીએ કહ્યું કે મેડિકલ કોલેજોમાં ભવિષ્યના સ્વસ્થ ગુજરાતનું સપનું છૂપાયેલું છે. ૧૦ કરોડ લોકોના રૂ. પ લાખ સુધીના મેડિકલ બિલને સરકાર ભરશે. તેવી ‘ભારત આયુષ્યમાન યોજના’ની સ્વાતંત્ર્ય પર્વે કરેલી જાહેરાતને દોહરાવતાં તેમણે કહ્યું કે દેશમાં દોઢ લાખ આરોગ્ય ધામ બનાવવાની યોજના છે. જેનાથી પ્રત્યેક ૧૦ કિ.મી.ના દાયરામાં લોકોને ઉત્તમ આરોગ્યસેવા ઉપલબ્ધ થશે.
તેમણે જણાવ્યું કે, જૂનાગઢમાં પોતાપણાની અનુભૂતિ થાય છે, ગિરનારમાં જુદાપણું હોય જ નહીં. ચૂંટણી થાય ત્યારે ગીરના જંગલમાં (કનકાઈ) એક મતદારવાળા પોલીંગ બૂથની વિશ્વમાં ચર્ચા થાય. ૧ કલાકમાં રૂ. ૫૦૦ કરોડના પ્રકલ્પોના કાર્યક્રમ સંદર્ભે તેમણે કહ્યું કે, આ જ બતાવે છે કે દેશ બદલાઈ રહ્યો છે. આજે વલસાડમાં સાપુતારાથી ખૂબ ઊંચા ડુંગર પર નેવાના પાણી મોભે ચડાવતા હોય તેમ આદિવાસી પરિવારો સુધી જળ પહોંચાડયું છે.
જૂનાગઢના જીવનમાં નવી હોસ્પિટલ વિશે જણાવ્યું કે આ હોસ્પિટલ કેન્દ્રબિંદુ બની ગઈ છે. ગુજરાતના બધા જિલ્લામાં મેડિકલ કોલેજોનું સ્વપ્ન જોયેલું આજે ૮ જિલ્લામાં ૮ કોલેજ અને ૧૦૦૦માંથી ૪ ગણાથી વધુ તબીબી બેઠકો થઈ ગઈ છે. આવતીકાલના સ્વસ્થ ગુજરાતનું સ્વપ્ન આ કોલેજોમાં છે.
આરોગ્યક્ષેત્રે ૭૦ વર્ષમાં લેવાના હતા તે પગલા આ સરકારે લીધા છે. મધ્યવર્ગના પરિવારમાં કોઈને કોઈ નાની મોટી બીમારીની દવા લેતા હોય છે, જનૌષધિ ભંડાર શરૂ કરી સરકારે તેમની રૂ. ૩૦૦ની દવા રૂ. ૩૦માં મળતી કરી દીધી છે.
દેશમાં ૩ લોકસભા બેઠકો વચ્ચે એક વેલનેસ સેન્ટર (આરોગ્યધામ)ની યોજના છે. ૨૫મી સપ્ટેમ્બરથી ભારત આયુષ્યમાન યોજના અંતર્ગત ૧૦ કરોડ લોકોને રૂ. પ લાખનું આરોગ્યકવચ મળવાનું શરૂ થશે. આ સેન્ટરો અદ્યતન હશે. દેશના ૬ લાખ ગામો વચ્ચે આવા ૧.૫૦ લાખ સેન્ટરો દર્શાવશે કે ૧૦ કિ.મીના વિસ્તારમાં પ્રત્યેકને ઉત્તમ સ્વાસ્થ્ય સેવા મળશે. આખા યુરોપ કરતાં પણ વિશાળ આરોગ્ય નેટવર્કની યોજના છે. જેનાથી આરોગ્યક્ષેત્રે મોટું મૂડીરોકાણ પણ આવશે.
લોકસભાની આગામી વર્ષની ચૂંટણી પૂર્વે એક તરફ વિધાનસભામાં સૌરાષ્ટ્રમાં ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું છે ત્યારે વડા પ્રધાનની આ મુલાકાત રાજકીય રીતે પણ ભાજપ માટે ઉર્જાના સંચાર જેવી ગણાય છે.
મેડિકલની ૪૧પ૦ બેઠકો: નીતિન પટેલ
નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે કહ્યું કે વડા પ્રધાનની દીર્ઘદૃષ્ટિને કારણે સોલા, ગોત્રી, ગાંધીનગર, પાટણ, હિંમતનગર, વલસાડ, જૂનાગઢને મેડિકલ કોલેજ મળી છે. આજે જૂનાગઢ ધન્ય બન્યુ છે. રાજયમાં ર૦૦૧માં મેડિકલની ૧૦૧૦ બેઠકો હતી આજે ર૦૧૮માં આ બેઠકો ૪૧પ૦ થઈ છે. રૂ. ૩પ૦૦ કરોડના ખર્ચે ૮ કોલેજો બની છે. મુખ્ય પ્રધાન ‘અમૃતમ યોજના’નો વ્યાપ વધારી રાજ્ય સરકારે સમાજના એક એક વ્યક્તિના આરોગ્યની ચિંતા કરી છે. પઢાઈ, કમાઈ અને દવાની લોકો માટેની સેવા વધારવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે.
શૌચાલયની વાતે મારી મજાક થતી: મોદી
જૂનાગઢમાં તાળીઓના ગડગડાટ વચ્ચે ખીલેલા વડા પ્રધાને કહ્યું કે, મેં જ્યારે સંડાસ બનાવવાની અને સ્વચ્છતાની વાત કરી ત્યારે મારી મજાક થતી હતી. પરંતુ જો સ્વચ્છતા અને શૌચાલયના ક્ષેત્રે પાયાના કામ અગાઉ થયા હોત તો મારો દેશ બીમાર ન પડત ખુલ્લામાં શૌચથી મુક્તિ એ આરોગ્યક્ષેત્રની સૌથી મોટી સેવા છે.